
દ્વારકાઃ દ્વારકા અને જામનગરના પીરોણા ટાપુ આસપાસ સ્થાનિક તંત્ર સતર્ક બન્યું છે અને ત્રણેક દિવસથી મેગા ડિમોલિશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આજે પણ દેવભૂમિ દ્વારકામાં ડિમોલિશન ચાલુ જ છે અને મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં લગભગ 35 કરોડની કિંમતની જમીન ખુલ્લી મુકાઈ હતી.
આ પણ વાંચો : જામનગરના પીરોટન ટાપુ પર 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક દબાણો પર બુલ્ડોઝર ફરી વળ્યું
ઓખા મંડળમાં શનિવારથી હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલિશન ની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સોમવારે ત્રણ દિવસમાં અંદાજિત 260થી વધારે રહેણાક બાંધકામ તોડી, 61 હજાર ચો.મીટર જેટલી જમીન ખુલ્લી કરાઈ છે. જેની બજાર કિંમત આશરે રૂ. 35 કરોડથી વધારે આંકવામાં આવી રહી છે.
આ સાથે ઓખા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા બે ધાર્મિક દબાણ પણ દૂર કરવામાં આવ્યા હતા. આ ધાર્મિક દબાણની જગ્યાની કિંમત આશરે સવા ત્રણ કરોડ જેટલી આંકવામાં આવી હતી. આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે.
બેટ દ્વારકા બાદ ઓખા પાલિકા વિસ્તારમાં તંત્ર દ્વારા ત્રણ દિવસમાં ગેરકાયદેસર કરોડોની કિંમતની જમીનો પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે 180થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે. ગૌચર અને સરકારી જમીનો પરના બિનઅધિકૃત દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. જેની કિંમત અંદાજે રૂ. 20 કરોડ જેટલી હોવાનું કહેવાય છે.
યાત્રાધામ દ્વારકામાં આ ત્રણ દિવસમાં કુલ 260 બાંધકામો, જેમાં 3 ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે, જે અંદાજે 60,800 સ્ક્વેર મીટર જગ્યાની કિંમત 35 કરોડ 48 લાખ રૂપિયા જેટલી થાય છે, તેમજ 260 જેટલા સ્ટ્રક્ચરો (3 ધાર્મિક) ડિમોલિશન કરવામાં આવ્યા છે. એક હજાર પોલીસ જવાનો સાથે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન થઈ રહ્યું છે.
આ પણ વાંચો : અમરેલી લેટર કાંડઃ નિર્લિપ્ત રાય કેસની કરશે તપાસ; સુરતમાં ધાનાણી, દુધાતની અટકાયત
એક તરફ પાલિકા પોતાનુ કામ કરી રહી છે તો બીજી બાજુ લોકોએ પોતાના ઘરબાર ગુમાવ્યા હોવાથી તેમનો સંતાપ પણ ચાલુ છે. દરેકને કાયદાકીય રીતે પોતાનું ઘર બાંધવાનો હક છે અને સૌને ઘરનું ઘર મળી રહે તેવું સરકાર પણ ઈચ્છી રહી છે ત્યારે ઘર જો સસ્તા થાય અને લોકો પણ ગમે ત્યાં ઘર બાંધી રહેવાને બદલે કાયદાની હદમાં રહી પોતાના ઘર બનાવે તો આ પ્રકારની નોબત જ ન આવે.