દ્વારકામાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર, ભીમરાણામાં 40 વર્ષથી ખડકી દેવાયેલા ધાર્મિક દબાણને દૂર કરાયું

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠે કરવામાં આવેલા ધાર્મિક દબાણ પર ફરી એક વખત દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું. ભીમરાણા ગામના દરિયાકાંઠે સરકારી જમીન પર ખડકી દેવાયેલા એક ધાર્મિક દબાણને તોડી પડાયું હતું. આ ઉપરાંત ગૌચર સહિતની જમીન પર કરાયેલા દબાણ પણ દૂર કરવામા આવ્યા હતા. ડિમોલીશન કામગીરી દરમિયાન અનિચ્છનીય બનાવ અટકાવવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આ ઝુંબેશનો મુખ્ય હેતુ સરકારી અને ગૌચર જમીનને ગેરકાયદેસર દબાણમાંથી મુક્ત કરાવવાનો છે. તંત્રના જણાવ્યા મુજબ, આ કામગીરીમાં કુલ 18,200 ચોરસ ફૂટ જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી હતી, જેમાં 2,000 ચોરસ ફૂટ ગૌચરની જમીનનો પણ સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 40 વર્ષથી અહીં ધાર્મિક દબાણ થયું હતું. જે બાબત તંત્રને ધ્યાને આવતા પ્રાંત અધિકારી સહિતનો કાફલો પહોંચ્યો હતો અને ધાર્મિક દબાણને દૂર કર્યું હતું. આ કામગીરીમાં 1500 સ્કવેર મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. અગાઉ પણ દબાણ દૂર કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકારી અને ગૌચર જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે આ ઝુંબેશ સતત ચાલુ રહેશે.

જાન્યુઆરી મહિનામાં 8 દિવસ ચાલી હતી દબાણ હટાવ કામગીરી
ઉલ્લેખનીય છે કે આ પહેલા ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં દ્વારકા અને બેટ દ્વારકા ખાતે મેગા ડિમોલેશનમાં 8 દિવસમાં કુલ 525 દબાણો દૂર કરાયા હતા. 8 દિવસ ચાલેલા મેગા ડીમોલીશનમાં અનેક રહેણાક મકાનો સહિત, કોમર્શિયલ બાંધકામો અને ધાર્મિક બાંધકામો પર બૂલડોઝર ફરી વળ્યું હતું. અંદાજે રૂપિયા 73.55 કરોડની કિંમતની સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું હતું. તેની સાથે સાથે સાથે બેટ દ્વારકા અને ઓખામાં 4 ધાર્મિક સ્થળ તોડી પડાયા હતા અને બેટ દ્વારકામાં 2, આરંભડામાં 1 ધાર્મિક સ્થળ પર બુલડોઝર ફર્યું હતું. 8 દિવસ ચાલેલા મેગા ડીમોલેશમાં 1,27,917 સ્કે.મીટર સરકારી જમીન ખુલ્લી કરાઇ હતી. 8 દિવસ સુધી ચાલેલા મેગા ડીમોલેશનમાં 1 હજાર પોલીસ કર્મચારી એસ.આર.પી જવાનોએ ખડેપગે ફરજ બજાવી હતી.
એક વર્ષ પહેલાં પણ દેવભૂમિ દ્વારકામાં થયું હતું મેગા ડિમોલિશન
અત્રે ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલાં પણ દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ ફરી અનેક જગ્યાએ લોકો દ્વારા દબાણો કરવામાં આવ્યા હતા. તંત્રને આ વિશે જાણ થતાં જ ફરીથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો…..યુપીના મુસ્લિમ સાંસદના ઘર પર ચલાવાશે બુલડોઝર, 30 દિવસની મુદત, 1.35 લાખ દંડ