દ્વારકામાં ધાર્મિક દબાણ દૂર કરી રૂ. 18 કરોડથી વધુની જમીન ખુલ્લી કરવામાં આવી

દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં ફરી એક વખત ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા હતા. દ્વારકાના રહેણાક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા બે ધાર્મિક દબાણ સહિત એક ભવનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દ્વારા તંત્રએ કુલ 6652 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવી હતી. જેની બજાર કિંમત અંદાજે રૂ. 18.3 કરોડ આંકવામાં આવી હતી.
દ્વારકાના હાથી ગેઈટની સામે જલારામ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા વિશાળ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. જેમાં એક રામદેવ ભવન, બે ધાર્મિક દબાણ અને દુકાનોનો સમાવેશ થાય છે. આ ઓપરેશનમાં બે જેસીબી અને એક ટ્રક સહિત કુલ ચાર મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આપણ વાંચો: બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર બુલ્ડોઝર ફરી વળ્યું, જુઓ VIDEO
દ્વારકાના પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ પોલીસની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન આ સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર 20થી વધુ પોલીસકર્મીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી દબાણ કરનારા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો હતો.
થોડા દિવસ પહેલા જ દ્વારાકાના ભીમરાણા ગામના દરિયાકાંઠે સરકારી જમીન પર ખડકી દેવાયેલા એક ધાર્મિક દબાણને તોડી પડાયું હતું. આ ઉપરાંત ગૌચર સહિતની જમીન પર કરાયેલા દબાણ પણ દૂર કરવામા આવ્યા હતા. ડિમોલીશન કામગીરી દરમિયાન અનિચ્છનીય બનાવ અટકાવવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આ ઝુંબેશનો મુખ્ય હેતુ સરકારી અને ગૌચર જમીનને ગેરકાયદેસર દબાણમાંથી મુક્ત કરાવવાનો છે. તંત્રના જણાવ્યા મુજબ, આ કામગીરીમાં કુલ 18,200 ચોરસ ફૂટ જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી હતી, જેમાં 2,000 ચોરસ ફૂટ ગૌચરની જમીનનો પણ સમાવેશ થતો હતો.