દ્વારકા

પૌરાણિક દ્વારકાના પુરાવા શોધવા માટે ASIની ટીમ પાણીમાં ઉતરી!

દ્વારકા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) ની એક ઉચ્ચ-સ્તરીય ટીમ નવી દિલ્હીથી ગુજરાતના દ્વારકા પહોંચી ગઈ છે અને દ્વારકાના દરિયાકાંઠે જળમગ્ન પુરાતત્વીય સંશોધન અને તપાસની શરૂઆત કરી છે. ASI ના પુનર્જીવિત ‘અન્ડરવોટર આર્કિયોલોજી વિંગ’ (UAW) દ્વારા આ મહત્ત્વપૂર્ણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેનું નેતૃત્વ ASI ના એડિશનલ ડાયરેક્ટર જનરલ પ્રો. આલોક ત્રિપાઠી કરી રહ્યા છે.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દ્વારકા અને બેટ દ્વારકાના દરિયાઈ વિસ્તારોમાં રહેલા સંભવિત જળમગ્ન પુરાતત્વીય અવશેષોને ઓળખવા, તેનું દસ્તાવેજીકરણ કરવું અને તેનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાનો છે.

ભગવાન કૃષ્ણની સુપ્રસિદ્ધ નગરી તરીકે પ્રાચીન ગ્રંથોમાં વર્ણવાયેલી દ્વારકા, લાંબા સમયથી પુરાતત્ત્વવિદો અને દરિયાઈ સંશોધકો માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે. આ વર્તમાન અભિયાન સંસ્થા માટે એક નોંધપાત્ર પગલું છે, જેમાં મોટી સંખ્યામાં મહિલા પુરાતત્ત્વવિદો પણ સામેલ છે.

અગાઉ, ASI દ્વારા ૨૦૦૫ અને ૨૦૦૭ દરમિયાન દ્વારકામાં દરિયાકાંઠાના અને ઑફશોર ઉત્ખનન હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં ઓટના સમયે દરિયાકિનારેથી શિલ્પો અને પથ્થરના લંગર (એન્કર) મળી આવ્યા હતા, જેના આધારે ત્યારબાદ પાણીની અંદર ઉત્ખનન કરવામાં આવ્યું હતું.

નવી તપાસ ઝુંબેશ દ્વારકાના જળમગ્ન ઇતિહાસમાં નવી આંતરદૃષ્ટિ લાવે તેવી અપેક્ષા છે. આ વર્તમાન અન્ડરવોટર સંશોધન ભારતના સમૃદ્ધ જળમગ્ન સાંસ્કૃતિક વારસાની સુરક્ષા કરવાના ASI ના મિશનમાં એક મહત્ત્વપૂર્ણ કદમ ગણાય છે. સંશોધકોને આશા છે કે આ તપાસ દ્વારા દ્વારકા નગરીના પૌરાણિક કથાઓ અને ઇતિહાસ વચ્ચેના સંબંધો પર નવો પ્રકાશ પાડી શકાશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button