બોટાદમાં પિક અપ વાન પલટી ખાતા બે મહિલાના મોત…

અમદાવાદઃ ભાવનગર નજીક આવેલા બોટાદમાં એક પરિવાર માટે પિકનિક માતમનું કારણ બની ગઈ હતી. પિકનિકમાં જતા સમયે પીક અપ ગાડી પલટી મારી જતા એક જ પરિવારની બે મહિલાના મોત નિપજ્યા હતા અને 16 જણને ઈજા થઈ હતી.
બોટાદમાં રવિવારે મુસ્લિમ પરિવારના લોકો પિક અપ ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે ગાડી પલટી જતા 45 અને 22 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. ઈજાગ્રસ્તોને સબિહા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર લગભગ 18 જણ એકસાથે સંબંધીની વાડીએ પિકનિક મનાવવા જઈ રહ્યા હતા. બોટાદના મિલિટ્રી રોડ પરથી વાહન પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવતા વાહન પલટી મારી ગયું હતું.
અકસ્માતમાં એક જ પરિવારની બે મહિલા ઘટના સ્થળે મૃત્યુ પામી હતી અને અન્યોને નાની-મોટી ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતા સ્થાનિકો અને પોલીસ કાફલો દોડી આવી હતી. આ સાથે સમાજના અગ્રણીઓ પણ દોડી આવ્યા હતા.



