શ્રદ્ધાળુઓ સાવધાન! સાળંગપુર મંદિરની નકલી વેબસાઈટ ચલાવી પૈસા પડાવનાર પકડાયો, 46 અન્ય નકલી સાઈટ પણ બનાવી હતી...
બોટાદ

શ્રદ્ધાળુઓ સાવધાન! સાળંગપુર મંદિરની નકલી વેબસાઈટ ચલાવી પૈસા પડાવનાર પકડાયો, 46 અન્ય નકલી સાઈટ પણ બનાવી હતી…

સાળંગપુર: ટેકનોલોજીના યુગમાં મંદિરો, યાત્રાધામોની સત્તાવાર વેબસાઈટ ઉપલબ્ધ છે અને જેનાં કારણે શ્રદ્ધાળુઓ મંદિરની દરેક નવીનતમ અપડેટથી વાકેફ રહે છે પરંતુ સાયબર ગઠિયાઓ તેને પણ છોડતા નથી.

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરની નકલી વેબસાઈટ ઈન્ટરનેટ પર ફરતી થઈ હતી, આ અંગે સાયબર ક્રાઈમ પોલીસે કાર્યવાહી કરીને ઉત્તર પ્રદેશથી એક આરોપીની ધરપકડ કરી હતી.

મળતી વિગતો અનુસાર બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર દ્વારા શ્રદ્ધાળુઓ નિત્ય દર્શન તેમજ આરતીનો લાભ ઘરે બેઠા લઇ શકે તે માટે વેબસાઈટ બનાવવામાં આવી છે.

જો કે આ દરમિયાન હરિભક્તોએ જાણ કરી હતી કે મંદિરની એક નકલી વેબસાઈટ પણ ચાલી રહી છે અને આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે કાર્યવાહી કરીને નકલી વેબસાઈટ બનાવનારા આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો હતો.

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ટ્રસ્ટ સાળંગપુર દ્વારા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નકલી વેબસાઇટ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસની તપાસમાં સાયબર ક્રાઈમ દ્વારા આરોપી અમરજીત કુમારને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો હતો. આરોપીએ સાળંગપુર મંદિરની નકલી વેબસાઇટ બનાવી હતી.

આરોપીની પૂછપરછ દરમિયાન બુકિંગના નામે તથા ધર્મશાળામાં રોકાવા માટે ભક્તો પાસેથી પૈસા પડાવતો હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. વળી આરોપીએ માત્ર સાળંગપુર મંદિરની જ નહી પરતું બીજી 46 નકલી વેબસાઈટ બનાવી હોવાનું પણ પોલીસ સમક્ષ કબુલ્યું હતું.

આ પણ વાંચો…બોટાદ જિલ્લાના સંવેદનશીલ વિસ્તારો ‘નો-ડ્રોન ઝોન’ જાહેર: સાળંગપુર, ગઢડા મંદિર અને ડેમ સહિત 58 સ્થળો પ્રતિબંધિત

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button