બોટાદના સાલૈયામાં 40થી વધુ ગૌવંશના મોતની ઘટનાઃ ગૌશાળાના ટ્રસ્ટીની ધરપકડ
બોટાદઃ જિલ્લા તાલુકાના સાલૈયા ગામ પાસે આવેલા ભુતડાદાદાના ડુંગર પર રાધિકા ગૌશાળામાં ગૌવંશના મોતની ઘટના બની હતી. ગૌવંશના મોતનો મામલો પ્રકાશમાં આવતા જીવદયાપ્રેમી, સરકારી અધિકારીઓ તાબડતોડ સાલૈયા ગામે દોડી ગયા હતા અને ગૌશાળામાં રહેલ 450 જેટલા પશુઓને અન્ય પાંજરાપોળમાં શિફ્ટ કરી દીધા હતા. આ મામલે ગુનો દાખલ થતાં પોલીસે ટ્રસ્ટીની ધરપકડ કરી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોટાદ તાલુકાના સાલૈયા ગામે ભૂતડાદાદા ડુંગરપર નજીક આશરે 20 વીઘા જેટલી જમીનમાં આવેલી પાંજરાપોળ ગૌશાળામાં 29મી ઓગસ્ટે 40થી 45 જેટલી ગાય, નાના વાછરડા-વાછરડીના મોત થયાની ઘટનાની જાણ થતાં બોટાદ પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી ટ્રસ્ટના હોદ્દેદારો, જીવદયાપ્રેમી, પશુ પાલન વિભાગના અધિકારીઓ, મામલતદાર, પોલીસ સહિતનાઓ દોડી ગયા હતા.
આ પણ વાંચો : માણસની આટલી ક્રૂરતા ? આખલા સાથે કર્યું આવું કૃત્ય!
પોસ્ટમોર્ટમમાં ભૂખ-તરસના કારણે મોત થયાનું ખુલ્યુ
આ ઘટનાની ગંભીરતાને લઈ વેટરીનરી ડોક્ટરની ટીમ પણ સ્થળ પર પહોંચી મૃત્યુ પામેલા પશુઓનું પોસ્ટમોર્ટમ હાથ ધર્યું હતું. પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં પશુઓના મોતનું પ્રાથમિક તારણ ભૂખ-તરસ અને ઠંડીના કારણે થયાનું બહાર આવ્યું હતું. જેના આધારે બોટાદ પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી ટ્રસ્ટના ઉપાધ્યક્ષએ રાધિકાશ્રી પાંજરાપોળ ગૌશાળાના ટ્રસ્ટી મીથીલાનંદબાપુ સામે સ્થાનિક બોટાદ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગૌશાળાને સરકાર તરફથી ગ્રાન્ટ મળતી હોવા છતાં પશુઓને ઘાસચારો અને પાણી ન આપી બંધ વાડામાં ક્રુરતાપૂર્વક બાંધી રાખતા ભૂખ-તરસર અને ઠંડકના કારણે ગૌવંશના મૃત્યુ થયાનો ઉલ્લેખ કર્યો હતો. આ ફરિયાદના આધારે બોટાદ પોલીસે મીથીલાનંદબાપુની ધરપકડ કરવામાં આવી છે.