
રાજૂ કરપડાનો આક્ષેપ – મોઢે રૂમાલ બાંધેલા લોકોએ પથ્થરમારો કરી માહોલ બગાડ્યો
બોટાદઃ ગઇકાલે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલી રહેલી ‘કળદા પ્રથા’ (ગેરકાયદેસર કમિશન પ્રથા) ના વિરોધમાં બોટાદના હડદડ ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત ‘કિસાન મહાપંચાયત’ પહેલાં જ મોટો રાજકીય માહોલ ગરમાયો હતો. ભાજપ સરકાર મહાપંચાયતને રોકવા માટે દમનકારી વલણ અપનાવી રહી હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતાઓએ કર્યો છે. પોલીસે AAP ના અનેક નેતાઓ અને કાર્યકરોને ડીટેઈન અથવા નજરકેદ કર્યા હોવાનો આરોપ પણ આપના નેતાઓએ કર્યો હતો. ત્યારે હડદડ ગામે મળેલી ‘કિસાન મહાપંચાયત’માં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીએ ભાજપ અને પોલીસ પર ચોંકવાનારા આક્ષેપ કર્યા છે.
ભાજપે પોલીસનો દુરુપયોગ કર્યો
બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ‘કળદા પ્રથા’ વિરુદ્ધ અવાજ ઉઠાવનાર ખેડૂતો પર હડદડ ગામમાં પોલીસ દ્વારા કથિત રીતે કરવામાં આવેલા હુમલાના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. AAP એ આ ઘટનાના વિરોધમાં આજના દિવસને ‘કાળો દિવસ’ તરીકે મનાવવાની જાહેરાત કરી છે. AAP ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ આ ઘટનાને “નિંદનીય” ગણાવી હતી અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “હડદડ ગામમાં જે થયું તે નિંદનીય ઘટના છે. ગુજરાતમાં ભાજપે પોલીસનો દુરુપયોગ કરી વારંવાર વિરોધી અવાજને દબાવવાની કોશિશ કરી છે તેવો લાંબો ઇતિહાસ છે.”
આમ આદમી પાર્ટી ‘કાળો દિવસ’ મનાવશે
સોરઠિયાએ સીધો આરોપ લગાવ્યો હતો કે ભાજપે પોલીસનો દમન કરાવીને ખેડૂતોના અધિકાર માટે ચાલી રહેલા આંદોલનને કચડવાનો પ્રયાસ કર્યો છે, ખાસ કરીને ખેડૂત નેતા રાજુભાઈ કરપડાને જેલમાં ધકેલવા માટે આ કૃત્ય કરાવ્યું છે. ખેડૂતો પર થયેલા આ હુમલાના વિરોધમાં આમ આદમી પાર્ટી આજે ‘કાળો દિવસ’ મનાવશે. સમગ્ર ગુજરાતમાં AAP ના કાર્યકર્તાઓ અને ખેડૂતો કાળી પટ્ટી બાંધીને આ દમનનો વિરોધ નોંધાવશે. તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે, “રાજુભાઈ સાથે આખું ગુજરાત ઊભું છે. જો રાજુભાઈને જેલમાં નાંખશે તો આખા ગુજરાતના ખેડૂતો રોડ પર ઊતરશે.” AAP એ ખેડૂત નેતા રાજુભાઈ કરપડા પર ખોટો કેસ કરીને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
ખેડૂતોની સરકાર બનશે ત્યારે ત્રાસનો હિસાબ લેવાશે
આ અંગે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “બે દિવસ પહેલા શાંતિપૂર્વક આંદોલન ચલાવી રહેલા રાજૂ કરપડાની ધરપકડ કરાવી લેવામાં આવી. જ્યારે આપ દ્વારા બોટાદ નજીકના હડદડ ગામમાં ‘કિસાન મહાપંચાયત’નું આયોજન કરવામાં આવ્યું અને ત્યાં ખેડૂતોને પહોંચતા અટકાવવામાં આવ્યા, આપના નેતાઓને રોકવામાં આવ્યા. ઇસુદાન ગઢવી સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો તેમજ જે લોકો હડદડ ગામ પહોંચી ગયા હતા તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસ છોડવામાં આવ્યો. તેમણે કહ્યું હતું કે, “ખેડૂતો એ ભારતના જ નાગરિકો છે અને તે વાતનું પોલીસે ધાયાં રાખવું જોઈએ, આવી એકેએક ઘટનાની આમ આદમી પાર્ટી નોંધ લઈ રહી છે, અને સત્તા પરિવર્તન થતાં વાર નથી લાગતું. આગામી સમયમાં જ્યારે ખેડૂતોની સરકાર બનશે ત્યારે આવા ત્રાસનો હિસાબ લેવામાં આવશે.”
આયોજનપૂર્વકનું ષડયંત્ર: રાજૂ કરપડા
આ અંગે આપ નેતા રાજૂ કરપડાએ જણાવ્યું હતું કે, “બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જે બે માંગણી લઈને ગયા હતા તેના પર ચેરમેને લેખિત બાહેંધરી ન આપી અને વિરોધ કરી રહેલા ખેડૂતોને દંડા મારીને હટાવવામાં આવ્યા. આથી અમે બોટાદ નજીકના હદદડ ગામમાં ખેડૂત મહાપંચાયત આયોજિત કરી પ્રસાશનને અપીલ કરવાનું નક્કી કર્યું હતું. આથી સવારથી જ આપના નેતાઓને રોકવામાં આવ્યા, ખેડૂતોને રોકવામાં આવ્યા, ઉશ્કેરવામાં આવ્યા, લાઠીઓ મારવામાં આવી.
રૂમાલ બાંધેલા લોકોએ જ પથ્થર લીધા
તેમણે આક્ષેપ કર્યો હતો કે શાંતિથી ચાલી રહેલી મહાપંચાયતમાં અમુક મોઢે રૂમાલ બાંધેલા લોકો આવે છે અને બાદમાં પોલીસ આવે છે. અને મોઢે રૂમાલ બાંધેલા લોકોએ જ પથ્થર લીધા, ખિસ્સામાંથી રૂમાલ કાઢી પોલીસ વાન પર પથ્થરમારો કર્યો. તેમણે આક્ષેપ કર્યો હતો એક આયોજનપૂર્વકનું ષડયંત્ર કરીને ખેડૂતોના અવાજને દબાવવામાં આવ્યો છે, પોલીસ દ્વારા ઉશ્કેરવામાં આવ્યા, પથ્થર ફેંકવામાં આવ્યા, ટીયર ગેસ છોડવામાં આવ્યા.”