
બોટાદ: જિલ્લામાં આવેલા પ્રવાસન અને સેન્સેટિવ ઝોન જેવા મહત્વના સ્થળો પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવા આવ્યો છે. જેમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર, BAPS સ્વા.મંદિર સાળંગપુર, વિસામણ બાપુની જગ્યા પાળીયાદ, ગોપીનાથજી દેવ સ્વામીનારાયણ મંદિર ગઢડા સહિત જિલ્લાના અનેક ડેમનો સમાવેશ થાય છે. આગામી બે મહિના સુધી અમલમાં રહેશે આ જાહેરનામું.
આગામી બે મહિના સુધી અમલમાં રહેશે
બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટીએ સેન્સેટીવ વિસ્તારો કે સંસ્થાનોને ડ્રોન (UAV) જેવા સંસાધનોથી દેશ વિરોધી સંગઠનો, આંતકવાદીઓ અને ભાંગફોડીયા તત્વો ગેરલાભ લઇ તેની સુરક્ષાને હાનિ ન પહોંચાડે તે માટે આ વિસ્તારોમાં પરવાનગી વગર ડ્રોન (UAV)નો ઉપયોગ ન થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બોટાદ જિલ્લામાં ડ્રોનનો ઉપયોગ કરવા અંગે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામાનો અમલ આગામી ૨૧ સપ્ટેમ્બર એટલે કે ૨ મહિના સુધી અમલમાં રહેશે.
ક્યા ક્યા સ્થળનો સમાવેશ?
જાહેરનામા અંતર્ગત સેન્સેટિવ ઝોન જેવા કે, સ્વામીનારાયણ મંદિર કુંડળ, ભીમનાથ મહાદેવ મંદિર, BAPS સ્વા. મંદિર ગઢડા તથા ટેલિફોન એક્ષચેન્જ બોટાદ, બરવાળા, ગઢડા તથા બોટાદ જિલ્લામાં આવેલ મોટા ડેમો જેમાં ઉતાવળી ડેમ ગુંદા, સુખભાદર ડેમ નાના છૈડા, ભીમડાદ ડેમ, ઇતરીયા ડેમ, લીંબાળી ડેમ, કાળુભાર ડેમ તથા પાણીના પંમ્પિંગ સ્ટેશન નાવડા તથા ગઢડાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તે ઉપરાંત સોનાવાલા હોસ્પિટલ બોટાદ, CHC હોસ્પિટલ ગઢડા, મધુસુદન ડેરી ગઢડા, ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટ બોટાદ, કલેકટર કચેરી તથા જિલ્લા પંચાયત કચેરી બોટાદ તથા બોટાદ જિલ્લા વિસ્તારમાં આવેલ વિજળી પાવર સપ્લાયર સબ સ્ટેશનો વગેરે સંસ્થાનોને રેડ/યલો ઝોનમાં ભારત સરકારના ગૃહ મંત્રાલયની SOP અને Drone rules-2021 મુજબ વર્ગીકૃત કરવામાં આવ્યાં છે. જેમાં બોટાદ જિલ્લામાં કુલ- ૫૮ સ્થળોને રેડ,યલો ઝોનમાં મુકવામાં આવ્યાં છે.