ટોપ ન્યૂઝબોટાદ

બોટાદને મહાનગરપાલિકાનો દરજ્જો ન મળતાં કયા ધારાસભ્યએ ઉઠાવ્યો મુદ્દો? કાંકરેજ-દિયોદરમાં પણ વિરોધના સૂર

અમદાવાદઃ 2025ના પ્રથમ દિવસે વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવતાં હવે કાંકરેજ-દિયોદરમાં વિરોધના સૂર ઉઠ્યાં છે. ઉપરાંત બોટાદને નગરપાલિકાને દરજ્જો ન મળતાં વિરોધ થઈ રહ્યો છે. બોટાદથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું, વસ્તીની દ્રષ્ટિએ અને વિસ્તારની દ્રષ્ટિએ બોટાદથી નાની નગરપાલિકાઓને પણ મહાનગરપાલિકા બનાવવામાં આવી છે, પરંતુ બોટાદની અવગણના કરીને બોટાદ સાથે અન્યાય કરવામાં આવ્યો છે. ભાજપ સરકારે ફરી એકવાર બોટાદની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. એક સમયે બોટાદ ભાજપ માટે તીર્થસ્થાન ગણાતું હતું, પરંતુ આજે બોટાદ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.

આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું, તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા નવ જેટલી નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવા માટે કેબિનેટમાં ભલામણ કરવામાં આવી છે અને આ સિવાય બનાસકાંઠા જિલ્લામાંથી થરાદ અને વાવને અલગ જિલ્લો બનાવવાની કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આ નિર્ણયોમાં સરકારની અણઆવડત સ્પષ્ટપણે જોવા મળી રહી છે. સરકાર દ્વારા કોઈપણ સાંસદસભ્યો કે ધારાસભ્યોના સૂચનોને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. જેના કારણે સરકારના નિર્ણયનો અનેક જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે.

બોટાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી છે પણ ધ્યાનમાં લેવામાં આવતું નથી. રાજ્યમાં ઘણી બધી નગરપાલિકાઓ જેમને મહાનગરપાલિકાઓ બનાવવામાં આવી રહી છે તેમની વસ્તી પણ ઓછી છે અને વિસ્તારની દ્રષ્ટિએ પણ નાની છે, તેમ છતાં પણ તેને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેના કારણે બોટાદની જનતાને પણ લાગી રહ્યું છે કે ભાજપ સરકારે બોટાદના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે.

બનાસકાંઠાના બે ભાગલા પાડીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે સરકારના આ નિર્ણયનો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. થરાદમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ધાનેરા અને કાંકરેજના શિહોરીમાં નારાજગી જોવા મળી રહી છે. બંને તાલુકાવાસીઓ બનાસકાંઠામાં રહેવા માંગે છે. સરહદી વિસ્તાર તરીકે ઓળખાતા બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદની નવા જિલ્લાની શરૂઆત સાથે વિરોધના સૂર રેલાયા છે. કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે મામલતદારને લેખિતમાં રજૂઆત પણ કરાઈ છે.

Also read: બોટાદમાં યુટ્યુબ જોઈને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનારા બેની ધરપકડ

વાવ-થરાદ જિલ્લામાં કાંકરેજનો સમાવેશ કરવામાં આવતાં શિહોરીના વેપારીઓએ દુકાનો સજ્જડ બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુરૂવારે વહેલી સવારથી જ શિહોરની બજારોમાં સ્વયંભૂ બંધ રાખવામાં આવતાં સન્નાટો છવાઇ ગયો છે. શિહોરીવાસીઓની માંગ છે કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં યથાત રાખવામાં આવે. બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને હવે દિયોદરમાં પણ વિરોધ શરૂ થયો છે, દિયોદરને નવા જિલ્લાનું વડું મથક ન બનાવી ઑગડ જિલ્લો જાહેર ના કરતા વિરોધ શરૂ થયો છે. દિયોદરમાં વેપારીઓ રોડ પર ઉતર્યા છે. વેપારીઓ અને ગ્રામજનોએ ધંધો રોજગાર બંધ કરવા અપીલ કરી છે. રેલી યોજીને વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button