બોટાદ હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર સરકારી ગાડીમાં દારૂ સાથે ઝડપાયા | મુંબઈ સમાચાર
બોટાદ

બોટાદ હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર સરકારી ગાડીમાં દારૂ સાથે ઝડપાયા

અંબાજી બંદોબસ્તમાંથી પરત ફરતા હોમગાર્ડ અધિકારીએ આબુથી દારૂ ભર્યો, LCBએ રંગેહાથ પકડ્યા

બોટાદ: લોકલ ક્રાઇમ બ્રાન્ચે બોટાદ હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર અને બે જવાનને પરત ફરતાં સમયે સરકારી વાહનમાં દારુ સાથે ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી હતી. આ ત્રણે હોમગાર્ડ જવાનો અંબાજી ભાદરવી પૂનમના મેળામાં બંદોબસ્ત માટે ગયા હતા અને પરત ફરતા સમયે આબુથી સરકારી વાહનમાં દારૂનો જથ્થો ભર્યો હતો.

મળતી વિગતો અનુસાર બોટાદ જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલી પૂર્વ બાતમીના આધારે સરકારી વાહનનો દુરુપયોગ કરી વિદેશી દારૂની હેરાફેરી કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. એલસીબીને મળેલી બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી હતી અને હોમગાર્ડ યુનિટના સરકારી ટાટા સુમો વાહનને અટકાવી તેની તપાસ કરી હતી. આ દરમિયાન સરકારી વાહનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આઆ ઘટનામાં બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર સહિત ત્રણ હોમગાર્ડ જવાનોની ધરપકડ કરી કુલ ₹1,00,060નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: વીરપુર પોલીસનો સપાટો: ઓક્સિજન ટેન્કરમાંથી ₹1 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

પોલીસ ફરિયાદમાં નોંધાયેલી વિગતો અનુસાર, બોટાદ એલસીબીના ઇન્ચાર્જ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને તેમના સ્ટાફને બોટાદ જિલ્લા હોમગાર્ડના સરકારી વાહન ટાટા સુમોમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આબુથી બોટાદ લાવવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે એલસીબી ટીમે બોટાદના ખસ રોડ પર આવેલા મિલેટ્રી ચાર રસ્તા પાસે વોચ ગોઠવી બાતમીવાળા વાહનને અટકાવી તલાશી લેતાં પાછળના ભાગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓ પાસેથી દારૂ રાખવા અંગેનું કોઈ પાસ પરમિટ કે આધાર પુરાવા મળ્યા ન હતા.

પોલીસ દશરથ રામજીભાઈ ચૌહાણ (ઉં.વ. 31) હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર (રહે. હિફલી ભાંભણ રોડ, બોટાદ), પ્રશાંત પ્રવિણભાઈ ચૌહાણ (ઉં.વ. 35) હોમગાર્ડ/ડ્રાઈવર (રહે. ખોડિયાર નગર, બોટાદ) અને દિલીપ નીમજીભાઈ સોલંકી (ઉં.વ. 40) હોમગાર્ડ (રહે. અળવ રોડ, સાંઇનાથ સોસાયટી, બોટાદ)ની ધરપકડ કરી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button