બોટાદ ઘર્ષણ મામલો: ‘આપ’ના નેતા રાજુ કરપડા સહિત 21 આરોપી જેલના હવાલે

બોટાદઃ બોટાદના હડદડ ગામે તાજેતરમાં પોલીસ સાથે થયેલા ઘર્ષણ મામલે કોર્ટે મોટો આદેશ આપવામાં આવ્યો હતો. પોલીસે રિમાન્ડ પૂર્ણ થતાં આમ આદમી પાર્ટી (આપ)ના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત કુલ 21 આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા, જ્યાં જજ દ્વારા તમામને ભાવનગર જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
આ ઘટનામાં પોલીસ સાથે સંઘર્ષ કરવા બદલ કુલ 85 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાંથી અત્યાર સુધીમાં કુલ 68 લોકોની અટકાયત કરવામાં આવી છે. અગાઉ કોર્ટે આ પૈકીના 21 લોકોના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
21 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં, બોટાદ પોલીસે તમામ આરોપીને જજના નિવાસ સ્થાને રજૂ કર્યા હતા. કોર્ટે તમામ 21 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં ભાવનગર જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં પોલીસની કાર્યવાહી અને કોર્ટના આદેશથી અન્ય આરોપીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો.
બોટાદના માર્કેટિંગ યાર્ડમાં કડદો કરી ખેડૂતોને લૂંટમાં આવતા કારસ્તાન સામે 12 ઓક્ટોબરે આમ આદમી પાર્ટીએ આંદોલન કર્યું હતું. આ ઘટનામાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ વાહન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા પોલીસે આ મામલે કુલ 85 લોકો સામે ફરિયાદ નોંધી હતી