બોટાદમાં આવતીકાલે આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત યોજાશે

બોટાદઃ આમ આદમી પાર્ટી દ્વારા બોટાદમાં આવતીકાલે કિસાન મહાપંચાચતનું આયોજન કરવામાં આવ્યું છે. આપના નેતા ઈસુદાન ગઢવીએ મોટી સંખ્યામાં ખેડૂતોને ઉપસ્થિત રહેવા આહ્વાન કર્યું હતું. આ ઉપરાંત ખેડૂતોને કિસાન મહાપંચાયતમાં આવતા રોકવા માટે પોલીસે ખેડૂતોને હજારોના મેમો ફટકાર્યા હોવાનો પણ ગઢવીએ આક્ષેપ કર્યો હતો.
ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે, ખેડૂતો સ્થાનિક સ્વરાજ અને 2027ની ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ કરશે. આમ આદમી પાર્ટીની ખેડૂતલક્ષી પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, આપનો એક એક કાર્યકર્તા ખેડૂતો માટે ગોળી ખાવા તૈયાર છે. ભૂતકાળને યાદ કરીને જણાવ્યું કે 30 વર્ષ પહેલા કોંગ્રેસની 149 સીટો આવી હતી અને એમણે ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો ત્યારથી ખેડૂતોએ કોંગ્રેસને મત આપ્યા નથી.ભાજપ કોંગ્રેસની જ ભૂલનું પુનરાવર્તન કરી રહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે બોટાદ માર્કેટયાર્ડ ખાતે કપાસના વેપારીઓ દ્વારા કરવામાં આવતા વજનમાં કપાત વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના ઉગ્ર આંદોલનમાં શુક્રવારે મોડી રાત્રે પોલીસે કાર્યવાહી કરી હતી. વિરોધને યથાવત્ રાખી રાત્રે યાર્ડમાં ભજન-કીર્તન કરી રહેલા ખેડૂતોની વચ્ચે ઘૂસીને પોલીસે આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત આગેવાન રાજુ કરપડાની અટકાયત કરી હતી. જેને ઈસુદાન ગઢવીએ તાનાશાહી ભર્યું પગલું ગણાવ્યું હતું.