
બોટાદ: આમ આદમી પાર્ટી દ્વારા બોટાદમાં આજે કિસાન મહાપંચાચતનું આયોજન કરવામાં આવ્યું છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલી રહેલી ‘કળદા પ્રથા’ (ગેરકાયદેસર કમિશન પ્રથા) ના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત ‘કિસાન મહાપંચાયત’ પહેલાં જ મોટો રાજકીય માહોલ ગરમાયો છે.
ભાજપ સરકાર મહાપંચાયતને રોકવા માટે દમનકારી વલણ અપનાવી રહી હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતાઓએ કર્યો છે. પોલીસે AAP ના અનેક નેતાઓ અને કાર્યકરોને ડીટેઈન કર્યા છે અથવા નજરકેદ કર્યા છે.
‘આપ’ના નેતાઓની અટકાયત અને હાઉસ એરેસ્ટ:
મહાપંચાયતના આયોજનના ભાગરૂપે AAP ના નેતા રાજુ કરપડાની આગેવાનીમાં ખેડૂતો આ પ્રથા નાબૂદ થાય તે માટે અવાજ ઉઠાવી રહ્યા છે. જોકે, આજે સવારથી જ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અમૃત મકવાણા જ્યારે કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા નીકળ્યા, ત્યારે સુરેન્દ્રનગર – ‘બી’ ડિવિઝન પોલીસે તેમને ઘરની બહાર જ અટકાવી ડીટેઈન કર્યા હતા.
કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા જે.ડી. કથીરીયાને અમરેલીના ચાપાથળ ગામથી અમરેલી પોલીસ દ્વારા ડીટેન કરીને પોલીસ મથક લઈ જવામાં આવ્યા છે. AAP ગુજરાતના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલને પણ બોટાદ મહાપંચાયતમાં હાજરી ન આપી શકે તે માટે તેમના નિવાસસ્થાને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા છે.
‘આપ’ પ્રદેશ મહામંત્રીની પ્રતિક્રિયા
આ સમગ્ર મામલે AAP ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આ કેવું લોકતંત્ર કે જ્યાં અવાજ ઉઠાવવો, ન્યાયની માંગણી કરવી એ ગુનો છે. ગુજરાતમાં ભાજપની જોહુકમી અને તાનાશાહી ચાલી રહી છે.” ‘આમ આદમી પાર્ટી’એ આરોપ લગાવ્યો છે કે ભાજપ સરકાર ખેડૂતોની મહાપંચાયતને રોકવા માટે તાનાશાહી વલણ અપનાવી રહી છે અને લોકશાહીના અધિકારનું હનન કરી રહી છે. પોલીસ દ્વારા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા હોવાના અહેવાલો છે.