બોર્ડના પરિણામો બાદ ‘આપ’ ધારાસભ્યની મોટી જાહેરાત: 100% પરિણામ લાવનાર શાળાને 5 લાખની ગ્રાન્ટ!

બોટાદ: ગુજરાતમાં ધોરણ 12ના પરિણામો જાહેર થયા બાદ રાજકારણીઓ અને શિક્ષણવિદો તરફથી અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ (Umesh Makvana) બોટાદ જિલ્લાની સરકારી શાળાઓ માટે એક મોટી જાહેરાત કરી છે.
MLA ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયાની ફાળવણી
મકવાણાએ જાહેરાત કરી છે કે, બોટાદ જિલ્લાની જે સરકારી શાળાઓએ ધોરણ 12નું 100% પરિણામ મેળવ્યું છે, તે શાળાઓને તેમની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. આ જાહેરાતનો હેતુ સરકારી શાળાઓને પ્રોત્સાહિત કરવાનો અને શિક્ષણની ગુણવત્તા વધારવાનો છે.
ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે, “સરકારી શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી છે. જે શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે, તેઓને પ્રોત્સાહિત કરવા માટે આ નાનકડો પ્રયાસ છે. આ ગ્રાન્ટનો ઉપયોગ શાળાઓ શિક્ષણની સુવિધાઓ વધારવા માટે કરી શકશે.
12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને ગુજકેટ-2025 પરીક્ષાનું પરિણામ આજે, 5મી મેના સોમવારે જાહેર કરવામાં આવ્યું છે. સવારે 10:30 કલાકે બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર પરિણામ ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. જાહેર થયેલા પરિણામો અનુસાર, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 ટકા નોંધાયું છે, જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ નોંધપાત્ર રીતે ઊંચું એટલે કે 93.07 ટકા રહ્યું છે. જિલ્લાવાર પરિણામોમાં મોરબી જિલ્લો 92.91 ટકાની સાથે વિજ્ઞાન પ્રવાહમાં સૌથી આગળ રહ્યો છે.