પ્રવાસેથી પરત ફરતા કાળનો ભેટો: પાળીયાદ નજીક બસ-ટ્રક ગમખ્વાર ટક્કરમાં હીરા કારખાનાના માલિક સહિત 3ના મૃત્યુ

બોટાદઃ રાજ્યમાં ગમખ્વાર અકસ્માતનો સિલસિલો શરૂ રહ્યો હતો. બોટાદમાં લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 20થી વધારે ઘાયલ થયા હતા. મળતી વિગત પ્રમાણે, હીરાનું કારખાનું ચલાવતા બોટાદના મુકેશભાઈ ગોહિલ તેમને ત્યાં કામ કરતા સ્ટાફને કાગવડ અને વીરપુરના પ્રવાસે લઈ જતા હતા. આ દરમિયાન બોટાદ જિલ્લાના પાળીયાદથી સાકરડી ગામના માર્ગ પર ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત અન્ય બે લોકો પણ ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા અને 20થી વધારે લોકોને સારવાર અર્થે મોકલાયા હતા. બસમાં કુલ 50 જેટલા મુસાફરો હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાળીયાદ-સાકરડી રોડ પર બે વાહન અથડાતાં અકસ્માત થયો હતો. જેમાં 25થી 30 લોકો ઘાયલ થતાં તેમને પાળીયાદ લાવવામાં આવ્યા હતા. ઘાયલોની સંખ્યા વધુ હોવાથી પાંચથી છ જેટલા ગંભીર રીતે ઘાયલ લોકોને બોટાદ રીફર કરવામાં આવ્યા હતા.
બનાવ અંગે મૃતક હીરા કારખાના માલિકના ભાઈએ જણાવ્યું, અકસ્માતમાં થયો તેમાં મારા ભાઈ પણ હતા. તેઓ તેમના કારખાનામાં કામ કરતી છોકરીઓ સહિત સ્ટાફને લઈ પ્રવાસે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આ દુર્ઘટના બની હતી. લક્ઝરી બસમાં 50થી 60 જેટલા લોકો સવાર હતા. આ બસમાં રાણપુર તાલુકાના ઉમરાળા ગામની રત્નકલાકાર મહિલાઓ બે દિવસના પ્રવાસે ગઈ હતી અને પરત ફરી રહી હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્રણેય મૃતકો રાણપુર તાલુકાના ઉમરાળા ગામના હોવાથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
આપણ વાંચો: અમદાવાદથી ઉપડતી આ ટ્રેનો દિવાળી પહેલા જ થઈ હાઉસફૂલ, જુઓ લિસ્ટ