ગુજરાતમાં દારૂનું દૂષણ: ભાવનગરના સરતાનપર ગામમાં 700 વિધવા, દારૂબંધીના દાવા પર સવાલ

ભાવનગરઃ ગુજરાતમાં દારૂ બંધી માત્ર કહેવા પૂરતી છે, માંગો ત્યારે દારૂ છૂટથી મળી રહે છે. ભાવનગરના તળાજા તાલુકાના સરતાનપર ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામસભા દરમિયાન અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા, પરંતુ હવે સૌથી મુખ્ય અને ગંભીર મુદ્દો દેશી દારૂના ઉત્પાદન અને વેચાણનો છે. દારુના ઉત્પાદન અને વેચાણને લઈ સરતાનપર ગામના ગ્રામજનો મોટી સખ્યામાં કલેકટર અને જિલ્લા પોલસવડાને આવેદન પત્ર પાઠવવા દોડી આવ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું કે, ગામમાં અગાઉ પણ જનતાની સહાયથી દારૂબંધી કરવા માટે રેડ હાથ ધરવામાં આવી હતી પરંતુ, બુટલેગરો દ્વારા ડરાવવાની અને ધમકાવવાની નીતિ અપનાવી હોવાથી લોકો હવે ખુલ્લેઆમ ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે.
આપણ વાંચો: ગુજરાતમાં દારૂ બંધી?: અમદાવાદ નજીક છ લાખથી વધુના મુદ્દામાલ સાથે બે બુટલેગરો ઝડપાયા
ગામમાં આશરે 22,500ની વસ્તીમાંથી લગભગ 700 જેટલી વિધવા મહિલાઓ છે, જેમાંથી 30 ટકા નાની ઉંમરમાં પતિ ગુમાવી ચુકી છે, જે દારૂના દૂષણનું જીવંત ઉદાહરણ છે.
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, સરતાનપર ગામે છેલ્લા લાંબા સમયથી દેશી દારૂની ભઠ્ઠીઓ ખૂણે-ખૂણે ચાલે છે અને ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કાયદો હોવા છતાં ગામમાં દારૂનું વેચાણ ઠેર-ઠેર ચાલે છે, જેના કારણે અનેક પરિવારો તબાહી તરફ ધકેલાઈ રહ્યા છે. મહિલાઓએ સ્પષ્ટપણે જણાવ્યું કે, દારૂના કારણે અનેક ઘરોમાં આર્થિક બરબાદી અને સમય પહેલાં મૃત્યુના કેસો વધી રહ્યા છે.
ગામલોકોએ ભાવનગરના કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી