
ભાવનગરઃ બગદાણાના સેવક નવનીત બાલધિયા પર હુમલા કેસમાં તાજેતરમાં માયાભાઈ આહીરના દીકરા જયરાજની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને ભાવનગર જેલમાં મોકલવામાં આવ્યો હતો. જેલમાં બંધ જયરાજને 11 નંબરની બેરેક ફાળવવામાં આવી છે. તેમજ ટિફિન-બિસ્ત્રાની અરજી મંજૂર કરવામાં આવી હતી. જેથી હવે તેને ઘરેથી જમવાનું પણ મળી શકશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જયરાજ જેલમાં આવેલા પુસ્તકાલયમાં પુસ્તકો વાંચીને દિવસ પસાર કરી રહ્યો છે. જયરાજને જેલમાં લાવવામાં આવ્યો ત્યારે તેને આફટર બેરેકમાં રાખવામાં આવ્યો હતો. જે બાદ હાલ તેને 11 નંબરની બેરેક ફાળવવામાં આવી છે. આ કેસમાં જેલમાં બંધ 14 પૈકી 8 આરોપીઓએ મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી છે. જેના પર 2 ફેબ્રુઆરીએ સુનાવણી થશે.
કોણે કોણે કરી છે અરજી
જેલમાં રહેલા 14 આરોપી પૈકી આઠ આરોપી રાજુ દેવાયતભાઈ ભમ્મર, વિરૂ મધુભાઈ સયડા, આતુ ઓધડભાઈ ભમ્મર, ભાવેશ ભગવાનભાઈ છેલાણા, વિરેન્દ્ર જેરામભાઈ પરમાર, પંકજ માવજીભાઈ મેર, સની ઉર્ફે સતીષ વિજયભાઈ વનાલિયા અને ઉત્તમ ભરતભાઈ બાંભણીયાએ જેલ મુક્ત થવા વકીલ મારફતે મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી છે.
જયરાજની ધરપકડ બાદ કોળી સમાજને ફટાકડા ફોડ્યા હતા
બગદાણાના સેવક નવનીત બાલધીયા પર હુમલા કેસમાં માયાભાઈ આહીરના દીકરા જયરાજની ધરપકડ બાદ કોળી સમાજને ફટાકડા ફોડી તથા સત્યમેવ જયતેના નારા લગાવી ઉજવણી કરી હતી.
શું છે સમગ્ર મામલો
બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસે 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી.
જેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતાં તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું, જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું હતું.
આ પણ વાંચો ધ્રુજાવી દેતી ઘટના: ૪ વર્ષ સુધી નરક જેવી યાતના ભોગવ્યા બાદ દીકરીએ હિંમત બતાવી, નરાધમ પિતાની ધરપકડ



