ભાવનગરમાં વ્યાજખોરીના બે સનસનીખેજ કિસ્સા: 23 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી, દીકરાને મારી નાખવાની ધમકી | મુંબઈ સમાચાર
ભાવનગર

ભાવનગરમાં વ્યાજખોરીના બે સનસનીખેજ કિસ્સા: 23 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી, દીકરાને મારી નાખવાની ધમકી

નિવૃત અધિકારીએ 7 લાખના બદલે 23 લાખ વસૂલ્યા છતાં ધમકી આપીઃ ટ્રકમાલિકના વાહન અને દસ્તાવેજો પડાવી લીધા

ભાવનગર: શહેરમાં વ્યાજની પઠાણી ઉઘરાણીના બે કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા, જેમાં એક કિસ્સામાં એક યુવકે સાત લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેના ત્રેવીસ લાખ રૂપિયા ચુકવી આપ્યા હોવા છતાં પણ વ્યાજખોર નિવૃત વિસ્તરણ અધિકારીએ પઠાણી ઉઘરાણી કરી હતી. જ્યારે બીજા બનાવમાં યુવકે બે ટ્રક પર લોન કરાવી હતી, પરંતુ કોઈ કારણોસર લોનના હપ્તા ન ભરી શકતા જુદા જુદા સમયે બે વ્યાજખોરો પાસેથી ચાર લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેમાં ફરિયાદીના ટ્રક અને તેના કાગળો પોતાની પાસે લઈને પૈસાની માંગણી કરી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

પ્રથમ બનાવની વાત કરીએ તો એક યુવકે સાત લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેના ત્રેવીસ લાખ રૂપિયા ચુકવી આપ્યા હોવા છતાં પણ વ્યાજખોર નિવૃત વિસ્તરણ અધિકારીએ પઠાણી ઉઘરાણી કરી હતી. યુવક તેમજ તેમના દસ વર્ષિય દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આરોપ સાથે આ અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

મળતી વિગતો અનુસાર નરેશભાઈ જોરસંગભાઈ પોલેતર નવેક વર્ષ અગાઉ નિવૃત વિસ્તરણ અધિકારી ભરતસંગ પ્રતાપસંગ ઉમટ (રહે. વૃંદાવન સોસાયટી ભાવનગર)વાળા પાસેથી સાતેક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેના નરેશભાઈએ કટકે કટકે રૂ. 23.50 લાખ રૂપિયા ચૂકતે કર્યા હતા, ત્યાર બાદ રૂપિયાની સગવડ ન થતાં ભરતસંગ ઉમટે નરેશભાઈ પાસે સાત લાખ રૂપિયાની વ્યાજ સાથે પઠાણી ઉઘરાણી કરી, નરેશભાઈ અને તેના દીકરાને જાનથી મારી નાંખવાની ધમકી આપતા નરેશભાઈ નિલમબાગ પોલીસમાં ભરતસંગ વિરૂદ્ધ ફરિયાદ કરવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો: વ્યાજખોરી સામે લાલ આંખ : છેલ્લા બે માસમાં 565 વ્યાજખોરો વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી

આ મામલે નરેશભાઈએ કહ્યું હતું કે નિલમબાગ પોલીસના અધિકારીએ સૌ પ્રથમ આરોપી વિરૂદ્ધ માત્ર અરજી લીધી હતી અને પોલીસમથકે ફરિયાદ માટે ધક્કા ખવરાવી આરોપી ભરતસંગનો સાથ આપ્યો હોય તેવું લાગતું હતું જેથી કંટાળી જઈ ભાવનગર જિલ્લા એસ. પી. નિતેશ પાંડેયને રજૂઆત કરી હતી, જે રજૂઆતથી એસ. પી. એ. આરોપી વિરુદ્ધ ફરિયાદ લેવા પોલીસને આદેશ કરાયો હતો છતાં પણ નિલમબાગ પોલીસે ફરિયાદ ન લેતા ગઇકાલે ફરી નરેશભાઈ એસ.પી. પાસે પહોંચ્યા હોવાની નિલમબાગ પોલીસને જાણ થતાં પોલીસે સામે ચાલીને વ્યાજખોર ભરતસંગ ઉમટ વિરૂદ્ધ ફરિયાદ લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય એક બનાવ ભાવનગરના સિદસર ગામથી પ્રકાશમાં આવ્યો હતો, જેમાં સિદસર ગામે મેઘાનગરમાં રહેતા મયુરસિંહ ગંભીરસિંહ ગોહિલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે બે ટ્રક ચોલા મંડલમ ફાઇનાન્સ કંપનીમાંથી ટ્રકો ઉપર લોન કરાવી હતી. જે બાદ બંન્ને લોનના હપ્તા ન ભરી શકતા ભોજપરાના કુલદિપસિંહ નરવરસિંહ ગોહિલ પાસેથી એક લાખ રૂપિયા લીધા હતા અને બાદમાં વધુ રૂપિયાની જરૂર પડતાં નેસવડના બુધાભાઇ આહિર પાસેથી બે ટકા લેખે ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.

આ પણ વાંચો: વ્યાજખોરો સામે ગુજરાત પોલીસની ઐતિહાસિક કાર્યવાહી: કરોડોની મિલકત જપ્ત

જેમાં એક ટ્રકનો અકસ્માત અને એક ટ્રકનું એન્જિન ફેઇલ થઇ જતાં ભાડાની આવક બંધ થઈ ગયું હતું પરંતુ બીજી તરફ લોનના હપ્તા ચડતા હોવાથી બંન્ને ટ્રકો કુલદિપસિંહે પોતાની વાડીએ મુકાવી દઈને ફાયનાન્સ કંપની સાથે સેટલમેન્ટ કરાવીને બાકીના રૂપિયા મયુરસિંહને પરત આપવાનું વચન આપ્યું હતું.

કુલદિપસિંહ અને બુધા આહિરે બંન્ને ટ્રકોના કાગળો, ટ્રકો લઇ ઉપરથી સાત લાખ રૂપિયા વ્યાજ પેટે માંગી, ટ્રકોના રૂપિયા ન આપી છેતરપિંડી આચરતા મયુરસિંહ ગોહિલે બંન્ને વ્યાજખોર કુલદિપસિંહ અને બુધા આહિર વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button