ભાવનગરમાં વાઝડી, કરા અને વરસાદે સર્જી તારાજી, અનેક વૃક્ષો ધરાશાયી, વીજળી પડી

ભાવનગર: ગોહિલવાડ પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ સાંજે વિનાશક રૂપ ધારણ કર્યું હતું. ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, અને અનેક જગ્યાએ મોટા કરા પણ પડ્યા હતા. તોફાની પવનના કારણે શહેરના અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ અને છાપરા ઉડી ગયા હતા, જ્યારે ડીએસપી કચેરી ખાતે મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા.
કુંભારવાડા વિસ્તારમાં મકાન પર વીજળી પડી
આ કુદરતી આફતના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં એક મકાન પર વીજળી પડવાની ઘટના પણ સામે આવી છે, જેના કારણે મકાનની દીવાલનો એક ભાગ તૂટી પડ્યો હતો અને વાયરિંગ તેમજ ઇલેક્ટ્રોનિક સામાનને ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત, બાજુમાં આવેલા હીરાના કારખાનામાં પણ વીજળી પડવાથી મોટું નુકસાન થયું હોવાના અહેવાલ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ પણ વાંચો: અમદાવાદમાં આંધી; રાજકોટના વિંછિયામાં સોપારી જેવા કરા સાથે કમોસમી વરસાદ પડ્યો, ખેડૂતોની ચિંતા વધી
ગટરના ખોદકામના કારણે વરસાદી પાણી ભરાયા
ભર ઉનાળામાં આવેલા આ અણધાર્યા વરસાદ અને તોફાની પવનના કારણે રસ્તા પર ચાલતા રાહદારીઓ અટવાઈ ગયા હતા. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં ચાલી રહેલા ગટર કામના ખોદકામના કારણે વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
લગ્ન પ્રસંગના આયોજકોમાં ચિંતા
ભાવનગરના ભાલ પંથકમાં ભારે વરસાદની સાથે મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે ચોગઠ ગામે કરા પડ્યા હતા. શહેરના કેટલાક વિસ્તારોમાં પણ કરા પડ્યા હોવાના અહેવાલ છે. અચાનક આવેલા આ વરસાદી માહોલના કારણે લગ્ન પ્રસંગના આયોજકોમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ હતી. ગઈકાલે નારી રોડ પર યોજાયેલા સમૂહ લગ્નના મંડપ પણ તૂટી પડ્યા હતા, જ્યારે આજે ખુલ્લા પાર્ટી પ્લોટમાં લગ્નનું આયોજન કરનારા પરિવારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભાવનગર શહેરમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ કુદરતી આફતના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે, અને તંત્ર દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.