ભાવનગર કોર્પોરેશનમાં શાસક પક્ષના નેતા સરકારી કારમાં તીર્થયાત્રાએ નીકળી પડ્યા!
પક્ષના કામે કેવડીયા પણ આટો દઈ આવ્યા, કિશોર ગુરૂમુખાણી પૈસા ભરી જ દેશે તેવો સેક્રેટરીને આત્મ વિશ્વાસ

ભાવનગર: કોર્પોરેશનના પદાધિકારીઓ ફૂલ ફટાક થઈ કાર સહિતની સુવિધાનો દૂર ઉપયોગ કરવામાં અગાઉ પણ ચર્ચામાં રહ્યા છે ત્યાં ભાજપ શાસિત ભાવનગર મહાનગપાલિકાના શાસક પક્ષના નેતા કિશોર ગુરૂમુખાણીએ કોર્પોરેશનની કારમાં જ અંગત લાભ માટે તીર્થયાત્રા કરતા ચર્ચામાં આવ્યા છે, વધુમાં તેમણે મેયરની પણ મંજૂરી નહીં લઈ વિવાદને આમંત્રણ આપ્યું છે. જોકે, કોર્પોરેશનના સેક્રેટરીને શાસક નેતા વધારાની સેવા લેવા બદલ નિયત ચાર્જ ભરી દેશે તેવો આત્મ વિશ્વાસ છે!
આ પણ વાંચો: ભાવનગરની 22 વર્ષીય પરિણીતાએ ચારિત્ર્ય અંગે શંકા રાખી પતિના અસહ્ય ત્રાસથી આપઘાત વહોર્યો
મ્યુ. શાસક પક્ષના નેતા કિશોર ગુરૂમુખાણી પણ ફૂલ ફટાક થઈ સરકારી ગાડીમાં અંગત કામોમાં પણ વટ પાડવા બગદાણા દર્શને પહોંચી ગયા હતા, ઉપરાંત કેવડીયા ખાતે આગામી દિવસોમાં પક્ષના કામ માટે સરકારી કાર લઇ આટો દઈ આવ્યા હતા. આ મામલે વિગતો બહાર આવ્યા બાદ મેયરના પૂછાતા તેમણે નિખાલસ રીતે કબૂલ કર્યું હતું કે, શાસક નેતાએ આ માટે તેમની કોઈ મંજૂરી લીધી નથી.
ઉલ્લેખનીય છે કે, પદાધિકારીઓને કોર્પોરેશનના કામે હરવા ફરવા વાહનની સુવિધા પૂરી પડાય છે, પરંતુ મર્યાદા ભૂલીને મન પડે ત્યાં ગાડી હંકારી મૂકી છે. તેઓને અપાતી સેવા નગરજનોના ટેક્સના પૈસામાંથી પૂરી પડાય છે. આમ, પ્રજાના પૈસે તાગડધિન્ના કરી અંગત ઉપયોગમાં કારનો વપરાશ કરી મજા માણતા હોય છે.
આ પણ વાંચો: Amazone sale: ભાવનગરમાંથી બનાવટી કૉસ્મેટિક ઓનલાઈન વેચતી ગેંગ પકડાઈ
જોકે, અંગત વપરાશ માટે કારની સેવા પૂરી પાડવા ઠરાવ કરી કિલોમીટર દીઠ ચોક્કસ દર વસૂલવા નક્કી થયું છે. પરંતુ કારને અંગત ઉપયોગમાં લેવા માટે મેયરની મંજૂરી લેવાની હોય છે, કિશોર ગુરૂમુખાની એ આ પ્રોટોકલ પણ ઠેબે ચડાવી મનમાની કરી હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ સેક્રેટરી વિભાગને પૂછતા ઇન્ચાર્જ સેક્રેટરી ગિરીશ પટેલ જણાવ્યું હતું કે, કિશોરભાઈ સારા માણસ છે, તેઓ તો પૈસા ભરી જ દેશે. મેયરના મંજૂરીનો ઠરાવ મળ્યા બાદ ચાર્જ વસૂલવામાં આવતો હોય છે તેમ ઉમેર્યું હતું.