નેવીમાં ટ્રેનીંગ વેળા જવાન વીરગતિ પામતા વતન ભાવનગરમાં રાષ્ટ્રીય સન્માન સાથે દફનવિધિ

ભાવનગર: શહેરના કુંભારવાડાનો યુવાન દેશની સુરક્ષાની નેમ સાથે ઈન્ડીયન નેવીમાં ફરજરત હતો, ગોવાના સ્વિમિંગની ટ્રેનિંગ વેળા ડૂબી જતાં આકસ્મિક મૃત્યુ થયું – હજુ એક વર્ષ પૂર્વે જ લગ્નના બંધને બંધાયેલા જવાન અચાનક વીરગતિ પામતા પરિવારજનો શોકમાં ડૂબ્યા.
સૈન્ય અધિકારીઓ અને નિવૃત્ત લશ્કરી જવાનો, સામાજીક અગ્રણીઓની ઉપસ્થિત ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય.
આ પણ વાંચો: તિરંગામાં લપેટાયેલ પિતાની લાશ, માતાના ખોળામાં 2 વર્ષની પુત્રી
ભારતીય નેવીમાં જોડાયેલો અને ગોવાના મડગામ ખાતે સ્વિમિંગની ટ્રેનિંગ મેળવી રહેલો ભાવનગરનો જવાન વીરગતી પામતા તેમના પાર્થિવ દેહને હવાઈ માર્ગે અમદાવાદ લવાયા બાદ મોટરમાર્ગે આજે ગુરુવારે ભાવનગર લવાયો હતો, નેવીમાં ટેકનિકલ સ્ટાફમાં ફરજ બજાવતા જવાન સ્વિમિંગની તાલીમ દરમિયાન અકસ્માત સર્જાતા વીરગતિ પામ્યો હતો. દરમિયાનમાં આજે ભાવનગરમાં રાષ્ટ્રીય સન્માન સાથે તેમની દફનવિધિ કરાઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના કુંભારવાડા બાનુબેનની વાડી વિસ્તારમાં રહેતા ઉસ્માનગની અહેસાનભાઈ અન્સારી (ઉ. વ. 22)નું ગોવાના મડગામ ખાતે ટ્રેનિંગ લઈ રહ્યો હતો. સ્વિમિંગની તાલીમ દરમિયાન અકસ્માત થતાં તેઓ વીરગતિ પામ્યા હતા. દીકરાના વીરગતિ પામ્યો હોવાની જાણ થતા પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.
વીરગતિ પામેલા નેવીના જવાનના પાર્થિવદેહને ગોવાથી રાત્રે હવાઈ માર્ગે અમદાવાદ લાવ્યા બાદ રોડ માર્ગે ભાવનગર આજે લવાયો હતી. આજે સવારે સૈન્યના અધિકારીઓની ઉપસ્થિતિમાં તેમના પાર્થિવ દેહને તિરંગામાં લપેટી, રાષ્ટ્રીય સન્માન અને ગાર્ડ ઓફ ઓનર આપી જવાનની દફનવિધિ કરાઇ હતી.
આ પણ વાંચો: સિયાચીન હિમખંડ યુદ્ધ : ૪૦ વર્ષે પણ વિક્રમ અડીખમ
પરિવારજનોના જણાવ્યા મુજબ, ‘ઉસ્માનભાઈના એક વર્ષ પહેલા જ તેમના લગ્ન કરવામાં આવ્યાં હતા. જ્યારે છેલ્લે બકરી ઈદની રજામાં તે ઘરે આવ્યા હતા. આ ઉપરાંત, ત્રણ દિવસ અગાઉ માતા અને પરિવારના અન્ય સભ્ય સાથે ફોનમાં વાત પણ થઈ હતી.’ અચાનક જ તેમના વીરગતિના સમાચાર મળતાં પરિવારજનો પર આભ તુટી પડયું હતું. આજે ભારે હૈયે તેમને અંતિમ વિદાય અપાઇ હતી.