સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ બીજી વખત છલકાયો: 59 દરવાજા ખોલાયા, 17 ગામોને એલર્ટ!

પાલીતાણા: ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ તારીખ 6 જુલાઇ રવિવારના રોજ સાંજે પાંચ કલાકે ૧૦૦ ટકા ભરાઈ ગયો હતો. શેત્રુંજી ડેમ ૧૦૦ ટકા ભરાતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. છેલ્લા થોડા દિવસથી ભાવનગર જિલ્લામાં તેમજ પાલીતાણા અને તળાજા તાલુકાના ગામડાઓમાં વરસાદ પડી રહ્યો હોય, શેત્રુંજી ડેમમાં પાણીની સારી આવક થતા તારીખ ૬ જુલાઇના સાંજે પાંચ કલાકે શેત્રુંજી ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો હતો.
ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ફરી એકવાર ૧૦૦ ટકા ભરાઈને છલકાઈ ગયો હતો. આ ચોમાસાની સિઝનમાં ડેમ બીજી વખત ઓવરફ્લો થયો હતો, જે સારા વરસાદનો સંકેત છે. ડેમ ભરાઈ જતાં, પાણીના નિયમન માટે તેના ૫૯ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. શેત્રુંજી ડેમમાં હાલ પણ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે 1800 ક્યુસેક પાણીની સતત આવક ચાલુ છે.
ડેમના દરવાજા ખોલવામાં આવતા, નીચાણવાળા વિસ્તારોમાં આવેલા પાલિતાણા અને તળાજા તાલુકાના ૧૭ ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા. નદી કિનારે રહેતા લોકોને અને માછીમારોને સાવચેત રહેવા તથા નદીમાં ન જવા સૂચના આપવામાં આવી હતી. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.