ભાવનગરને દિલ્હી સાથે સીધી ટ્રેનથી જોડવા શક્તિસિંહ ગોહિલનો રેલવે પ્રધાનને પત્ર

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે કેન્દ્રીય રેલવે પ્રધાનને પત્ર લખીને ભાવનગર અને દિલ્હી વચ્ચે સીધી રેલ કનેક્ટિવિટીના અભાવ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો કે, ભાવનગર પશ્ચિમ રેલવેનું ડિવિઝનલ હેડક્વાર્ટર હોવા છતાં આ શહેર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સાથે સીધી ટ્રેન સુવિધાથી વંચિત છે. અગાઉ ભાવનગર અને શકુર બસ્તી વચ્ચે ‘ટ્રેન ઓન ડિમાન્ડ’ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તે બંધ કરી દેવામાં આવી હતી. આ સમસ્યાના ઉકેલ માટે તેમણે સૂચવ્યું કે, ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનનો રેક ભાવનગર સ્ટેશન પર ચાર દિવસ સુધી ખાલી પડ્યો રહે છે, જેનો ઉપયોગ દિલ્હી સુધીની નવી ટ્રેન દોડાવવા માટે કરી શકાય તેમ છે.
ભાવનગરના મુસાફરોની સગવડતા વધારવા માટે સાંસદ દ્વારા સ્થાનિક ટ્રેનોના આધુનિકીકરણની માંગ પણ કરવામાં આવી છે. તેમણે ભાવનગરથી વેરાવળ અને પોરબંદર વચ્ચે ફાળવવામાં આવેલી બે લોકલ ટ્રેનો બદલ આભાર વ્યક્ત કરવાની સાથે તેને ‘એક્સપ્રેસ ટ્રેન’માં રૂપાંતરિત કરવા વિનંતી કરી હતી. યાત્રાળુઓ, વરિષ્ઠ નાગરિકો અને પરિવારોની મુસાફરી સુખદ બને તે માટે આ ટ્રેનોમાં એસી ચેર કાર ઉમેરવા અને રિઝર્વેશનની સુવિધા પૂરી પાડવા પર ભાર મૂક્યો હતો. આ ફેરફારોથી સૌરાષ્ટ્રના યાત્રાધામોની મુલાકાતે આવતા મુસાફરોને મોટી રાહત મળી શકે છે.
પત્રમાં ભાવનગર ટર્મિનસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રશ્નો ઉઠાવતા તેમણે જણાવ્યું હતું કે, સ્ટેશન પર હાલમાં માત્ર બે જ પિટ લાઈન હોવાથી જાળવણીમાં મુશ્કેલી પડે છે અને નવી ટ્રેનો શરૂ કરવામાં મર્યાદા આવે છે. પૂરતી જમીન ઉપલબ્ધ હોવા છતાં અદ્યતન શંટિંગ ટ્રેકનો અભાવ છે. આથી, તેમણે બે નવી પિટ લાઈન અને ત્રણ-ચાર નવા શંટિંગ ટ્રેક બનાવવાની માંગ કરી હતી.



