ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના, સિનિયર ડોક્ટરોએ અપહરણ કર્યું ને પછી…

ભાવનગરઃ શહેરમાં મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બની હતી. મેડિકલ કોલેજના ત્રણ ઈન્ટર્ન ડોક્ટર્સને સાથે અભ્યાસ કરતા ઈન્ટર્ન તથા સિનિયર ડોક્ટર સહિત 8 લોકોએ જાહેરમાં ના બોલી શકાય તેવા શબ્દો પરાણે બોલાવી અને ના બોલે તો બેહોશ થાય ત્યાં સુધી માર માર્યાની ગંભીર ફરિયાદ મેડિકલ કોલેજના ડિન સુધી પહોંચતા ચકચાર મચી હતી. ઈજાગ્રસ્ત ત્રણેય ઈન્ટર્ન ડોક્ટરને સારવાર માટે સર ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જાહેરમાં ન બોલી શકાય તેવા શબ્દો બોલાવતા હતા
ભાવનગરની મેડિકલ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા બે ઈન્ટર્ન ડોક્ટર્સને ગત રાત્રિના મેડિકલ કોલેજ નજીકના સર્કલ પાસેથી બે કારમાં બેસાડીને હિલડ્રાઈવ વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સાથેના 4 ઈન્ટર્ન સહ અધ્યાયી તથા બે સિનિયર તબીબ અને બહારના અન્ય બે શખ્સો દ્વારા તેમની પાસે જાહેરમાં ના બોલી શકાય તેવા શબ્દો પરાણે બોલાવી અને જો ના બોલે તો માર મારતા હતા. જયારે પીડિત ઈન્ટર્નને સવાલો પુછવામાં આવતા હતા અને જો તે ખોટા જવાબ આપે તો પણ માર મારતા હતા.
આ પણ વાંચો…અમદાવાદ એરપોર્ટ બન્યું દાણચોરીનું હબ, 3 કરોડના હીરા ઝડપાયા
કેફી દ્રવ્યોનું પરાણે સેવન કરવાનું કહેતા હતા
ઉપરાંત કેફી દ્રવ્યોનું પરાણે સેવન કરવાનું કહી માર માર્યા બાદ રાત્રિના 3 કલાકે હોસ્ટેલે લાવી તેના અન્ય સાથી ઈન્ટર્ન ડોક્ટરને પણ માર મારી ઈજાઓ પહોંચાડી હતી. ઘટના બાદ ત્રણેય ઈન્ટર્ન ડોક્ટરે આ બાબતની જાણ કોલેજને તંત્રને કરતા મેડિકલ કોલેજ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ત્રણેય ઈન્ટર્ન ડોક્ટરની ફરિયાદ લઈને તેમને સર ટી.હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આજે રેગિંગ કમિટિની બેઠક મળશે અને તેમાં ચર્ચા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.