
ભાવનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિમાન માર્ગે ભાવનગરમાં આવી પહોંચ્યા છે. મોટરકારના કાફલા સાથે PM મોદીએ રોડ-શોની કર્યો હતો. પીએમને નિહાળવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી, પીએમ મોદીએ કારમાંથી હાથ ઉંચો કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ગુજરાતના પ્રવાસ પર આવેલા PM મોદીના રોડ-શોની ભાવનગરમાં તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી હતી. સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પર વડા પ્રધાન મોદીને આવકારવા માટે “ભાવસભર ભાવેણામાં આપનું સ્વાગત છે” જેવા પોસ્ટર લાગ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ પર આયોજિત પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું. જેનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે. પીએમ મોદી આજે ભાવનગર ખાતેથી ₹૩૪,૨૦૦ કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સભા સ્થળે આગમન થઈ ચૂક્યું છે અને સભા સ્થળે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. PMનું સભા સ્થળ ખાતે સ્ટેજ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીને પાઘડી પહેરાવીને, ચાંદીનો ગરબો અને ચૂંદડી, સરદાર પટેલ અને ભાવનગર રાજવીની તસવીર, વાઘની પ્રતિમા, જહાજની પ્રતિકૃતિ, ભગવાન શ્રીરામની પ્રતિમા સહિતની ભેટ આપવામાં આવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દરિયાઈ ક્ષેત્રને મોટું પ્રોત્સાહન આપવા માટે, વડા પ્રધાન ₹૭,૮૭૦ કરોડથી વધુના ખર્ચે દરિયાઈ ક્ષેત્ર સંબંધિત અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ ઈન્દિરા ડોક પર મુંબઈ ઇન્ટરનેશનલ ક્રુઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. તેઓ શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ, કોલકાતામાં એક નવા કન્ટેનર ટર્મિનલ અને સંબંધિત સુવિધાઓ; પારાદીપ બંદર પર નવા કન્ટેનર બર્થ, કાર્ગો હેન્ડલિંગ સુવિધાઓ અને સંબંધિત વિકાસ કાર્યો; ટુના ટેકરા મલ્ટી-કાર્ગો ટર્મિનલ; કામરાજર પોર્ટ, એન્નોરમાં અગ્નિશમન સુવિધાઓ અને આધુનિક માર્ગ સંપર્ક; ચેન્નઈ બંદર પર દરિયાઈ દીવાલો અને રિવટમેન્ટ સહિતના દરિયાકિનારાના સુરક્ષા કાર્યો; કાર નિકોબાર દ્વીપ પર દરિયાઈ દીવાલનું નિર્માણ; દીનદયાલ પોર્ટ, કંડલામાં એક બહુહેતુક કાર્ગો બર્થ અને ગ્રીન બાયો-મેથેનોલ પ્લાન્ટ; અને પટના અને વારાણસીમાં જહાજ સમારકામ સુવિધાઓનો શિલાન્યાસ કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા કેન્દ્ર અને રાજ્ય સરકારના ₹૨૬,૩૫૪ કરોડથી વધુના ખર્ચે અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ છારા પોર્ટ પર HPLNG રીગેસિફિકેશન ટર્મિનલ, ગુજરાત IOCL રિફાઇનરીમાં એક્રેલિક અને ઓક્સો આલ્કોહોલ પ્રોજેક્ટ, ૬૦૦ મેગાવોટ ગ્રીન શૂ પહેલ, ખેડૂતો માટે પીએમ-કુસુમ ૪૭૫ મેગાવોટ કમ્પોનન્ટ સી સોલર ફીડર, ૪૫ મેગાવોટ બડેલી સોલર પીવી પ્રોજેક્ટ, ધોરડો ગામના સંપૂર્ણ સૌરીકરણ વગેરેનું ઉદ્ઘાટન કરશે.
તેઓ LNG ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વધારાના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ, દરિયાકિનારાના સંરક્ષણ કાર્યો, હાઇવે, આરોગ્ય સંભાળ અને શહેરી પરિવહન પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, જેમાં ભાવનગરમાં સર ટી. જનરલ હોસ્પિટલ, જામનગરમાં ગુરુ ગોવિંદ સિંહ સરકારી હોસ્પિટલનું વિસ્તરણ અને ૭૦ કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ફોર લેન બનાવવાના કાર્યોનો સમાવેશ થાય છે.
વડા પ્રધાન મોદી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR)નું હવાઈ સર્વેક્ષણ પણ કરશે, જેની કલ્પના એક હરિયાળા ઔદ્યોગિક શહેર તરીકે કરવામાં આવી છે, જે લાંબા ગાળાના ઉદ્યોગીકરણ, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક રોકાણ પર આધારિત છે. તેઓ લોથલમાં લગભગ ₹૪,૫૦૦ કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહેલા રાષ્ટ્રીય દરિયાઈ વિરાસત પરિસર (NMHC)ની મુલાકાત પણ લેશે અને તેની પ્રગતિની સમીક્ષા કરશે. આ પરિસર ભારતની પ્રાચીન દરિયાઈ પરંપરાઓની ઉજવણી કરવા અને તેને સાચવવા તથા પ્રવાસન, સંશોધન, શિક્ષણ અને કૌશલ્ય વિકાસના કેન્દ્ર તરીકે કાર્ય કરશે.
આ પણ વાંચો…PM મોદી આજે ગુજરાતમાં, ભાવનગર અને લોથલમાં શું છે કાર્યક્રમો ? જાણો વિગત