શનિવારે PM Modi લોથલની મુલાકાત લેશે: ₹ 4,500 કરોડના પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે
સમુદ્રી વારસાને ઉજાગર કરતો આ કોમ્પ્લેક્સ ટુરિઝમ અને રોજગારીની તકો ઊભી કરશે

ભાવનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વારંવાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે, જેના માટે વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રજાલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન યા શિલારોપણનું છે, પરંતુ બંનેની મુલાકાતને લઈને સરકારી કચેરીઓ ધમધમતી રહે છે, જેમાં શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની સાથે લોથલ આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ લોથલની મુલાકાત લેશે અને ₹ 4,500 કરોડના ખર્ચે તૈયાર થતાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી સમીક્ષા બેઠક કરશે. અમદાવાદ જિલ્લાની લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય વેપાર કેન્દ્રની સાથે-સાથે ભારતની સમુદ્ર શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ હતું.
આ ઐતિહાસિક સિંધુ સંસ્કૃતિના ઇતિહાસના સાક્ષી સમા લોથલમાં ભારતના ભવ્ય દરિયાઈ વારસાને દર્શાવતું ‘નેશનલ મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ નિર્માણ પામી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે પાંચ પ્રણો આપ્યાં છે, તેમાંનું એક પ્રણ પ્રાચીન વિરાસતોનું સંવર્ધન કરવાનું છે, જે ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ના નિર્માણ થકી સાકાર થશે.
આ હેરિટેજ કૉમ્પ્લેક્સ લોકો માટે એક પ્રવાસન સ્થળ ઉપરાંત અભ્યાસ માટેનું કેન્દ્ર બનશે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ એક નવા આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે અને વિશ્વના અન્ય આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમોની સમકક્ષ તેની સારસંભાળ લેવામાં આવશે. આ પ્રોજેક્ટ સમગ્ર ભાલ પ્રદેશની અર્થવ્યવસ્થા વિકસાવવામાં પણ મદદરૂપ સાબિત થશે. જેના પરિણામ સ્વરૂપે હજારો લોકો માટે રોજગારીની અનેક તકો અહીં સર્જાશે તેમજ સંખ્યાબંધ કુટીર ઉદ્યોગોના વિકાસની પણ અનેક રાહ ખુલશે.
આ પણ વાંચો : PM Modi Gujarat Visit: પીએમ મોદી શનિવારથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે, સોમવારે સોમનાથ દાદાના દર્શન કરશે…
આ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ લગભગ ₹4500 કરોડના ખર્ચે તૈયાર થઇ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે 375 એકર જમીન રાજ્ય સરકારે ફાળવી છે.હડપ્પીયન સમયથી શરૂ કરીને આજ સુધીના ભારતના સમુદ્રી વારસા પર પ્રકાશ પાડતી 14 ગેલેરીઓ તેમજ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ સમુદ્રી વારસાને પ્રદર્શિત કરતું કોસ્ટલ સ્ટેટ્સ પેવેલિયન પણ અહીં રાખવામાં આવશે.
નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં મેરિટાઇમ યુનિવર્સિટી બનશે. આમ, મેરીટાઈમની ડિગ્રી એક જગ્યાએ પ્રાપ્ત થશે. સાથો-સાથ સ્ટુડન્ટ્સ એક્સેચેન્જ પ્રોગ્રામને વેગ મળશે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં માત્ર મેરીટાઈમ કૉમ્પ્લેક્સ જ નહીં પરંતુ અભ્યાસ માટે ઈન્સ્ટિટ્યૂટ પણ બનાવવામાં આવશે.
આ પણ વાંચો : ભારતમાં વેટલેન્ડના કુલ ક્ષેત્રફળનો સૌથી વધુ હિસ્સો ગુજરાતમાં, જાણો ગુજરાતમાં કેટલા છે વેટલેન્ડ્સ
આ ઉપરાંત પીએમ મોદીની ભાવનગર મુલાકાત સમયે 30 હજારથી વધુ લોકો રોડ શોમાં જોડાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત દરમિયાન કરોડો રૂપિયાના એમઓયુ પણ કરવામાં આવશે તેમ જ શિપિંગ ઉદ્યોગ અંગે પોલિસીઓ પણ જાહેર કરાશે.