પીએમ મોદી ફરી આવશે ગુજરાત, ભાવનગરમાં કરશે રોડ શો | મુંબઈ સમાચાર
Top Newsભાવનગર

પીએમ મોદી ફરી આવશે ગુજરાત, ભાવનગરમાં કરશે રોડ શો

ભાવનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવશે. તા.20 સપ્ટેમ્બરે દેશના વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ભાવનગર જિલ્લાના મહેમાન બનશે. ભાવનગરના જવાહર મેદાનમાં તેઓ સભા યોજશે. અનેક વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સહિત રોડ શો પણ યોજશે. વડા પ્રધાનના કાર્યક્રમને અનુલક્ષી ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલે જણાવ્યું હતું કે, તા. 20 સપ્ટેમ્બરે ભાવનગરના જવાહર મેદાન ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાશે. ભારત સરકારના શિપિંગ મંત્રાલય, ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજીત આ કાર્યક્રમમાં પોર્ટ એન્ડ શિપિંગને લગતી પોલીસી અંગે તેમજ મહત્વના કેટલાંક એમઓયુ પણ થશે. આ ઉપરાંત વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તથા રોડ શો યોજાશે. આ કાર્યક્રમને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : પીએમ મોદી અમદાવાદમાં સભા પૂર્વે રોડ શો યોજશે, આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે

વડા પ્રધાનના કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટર સહિત વર્ગ એક કક્ષાના અધિકારીઓના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની 27 જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે કોર કમિટી સહિત તમામ કમિટીઓ સાથે કાર્યક્રમના આયોજનને લઈને વિગતવાર ચર્ચા કરી જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગત મહિને પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે અમદાવાદના નિકોલ વિસ્તારમાં રોડ શો કર્યો હતો. તેમજ જાહેર સભાને સંબોધન કર્યું હતું. અમદાવાદ એરપોર્ટથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજ્યો હતો ત્યાર બાદ 5,477 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button