વડા પ્રધાન મોદીના કાર્યક્રમ માટે 1300 ST બસ ફાળવાતાં લાખો મુસાફરો મુશ્કેલીમાં
ભાવનગરમાં કાર્યક્રમને કારણે 2500 ST રૂટ રદ, રાજ્યભરના નાગરિકોને હાલાકી

ભાવનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બર શનિવારે એક દિવસીય ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સવારે 10 વાગ્યા આસપાસ ભાવનગરમાં રોડ શો યોજી જવાહર મેદાનમાં જાહેરસભાને સંબોધન કરશે. અહીંથી જ ભાવનગર ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાતના કરોડો રૂપિયાનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ભાવનગરમાં વડા પ્રધાન મોદીના રોડ શોના રૂટ પર શુક્રવારે પોલીસ દ્વારા રિહર્સલ કરાયું હતું. તેમના કાર્યક્રમને પગલે ભાવનગરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
1300 એસટી બસ દોડાવાશે
વડા પ્રધાનના કાર્યક્રમમાં ભીડ એકઠી કરવા માટે 1300 એસટી બસ દોડાવાશે અને 2500 રૂટમાં કાપ મૂકવામાં આવ્યો છે. જો કે આના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે, જેથી અફડા તફડીનો માહોલ રહેશે. આજે ભાવનગર ખાતે તમામ બસોને પહોંચાડી દેવા આદેશ કરવામાં આવ્યો હતો. જેને પગલે 19 અને 20 સિનિયર સિટીઝનો, મહિલાઓ, બાળકો અને વિદ્યાર્થીઓની હાલત કફોડી બનશે. મુસાફરોની સુવિધા ઝુંટવી લઈ એસ. ટી બસનો દુરુપયોગ સામે ગુજરાત એસ.ટી મુસાફર સમિતિએ સખત શબ્દોમાં વિરોધ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : ગુજરાત એસટી બસની મુસાફરી મોંઘી થશેઃ બસના ભાડાંમાં દસ ટકાનો વધારો ઝિંકાયો
આટલા ડિવિઝનમાંથી ફાળવવામાં આવી બસ
મળતી વિગતો મુજબ અમદાવાદ, વડોદરા, નડિયાદ, મહેસાણા, ભરૂચ, ગોધરા, પાલનપુર સહિતના ડિવિઝનોમાંથી અંદાજે દરેક ડિવિઝનો માંથી 100 બસો વડાપ્રધાનના કાર્યક્રમમાં ફાળવી દેવા આદેશ કરવામાં આવ્યો હતો. રાજ્યભરમાં હાલ નિયમિત એસ.ટીની 8550 બસો દોડી રહી છે. અને રોજિંદા 29 લાખ મુસાફરો અપડાઉન કરે છે. જો કે 2500 રૂટ કેન્સલ થવાના કારણે લાખો મુસાફરોને હાલાકી ભોગવવી પડશે.
આ પણ વાંચો : શનિવારે PM Modi લોથલની મુલાકાત લેશે: ₹ 4,500 કરોડના પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે
હેલ્પલાઇન નંબર જાહેર કર્યો નથી
સરકાર એક બાજુ કરકસરયુક્ત વહીવટની વાતો કરે છે ત્યારે સરકાર છેક 300થી 400 કિલોમીટર દૂરથી ભાવનગર ખાતેના કાર્યક્રમમાં બસો કબજે લેવાશે. આટલે દૂરથી ખાલી આવતી બસોમાં ઇંધણનો ધુમાડો થશે. મુસાફરોને હાલાકી વેઠવી પડશે અને એસ.ટીના બસ સ્ટેશન ઉપર અફરા તફરીનો માહોલ રહેશે. અને ખાનગી વાહનો દ્વારા એસ.ટીના મુસાફરોને ફરજિયાત લૂંટાવવું પડશે મુસાફરોને બે દિવસ સુધી હાલાકી ભોગવી પડે તેમ હોવા છતાં એસ. ટી દ્વારા કોઈ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો નથી