પરષોત્તમ સોલંકીએ મુખ્ય પ્રધાનને પત્ર લખી અસરગ્રસ્ત માછીમારો માટે ‘ખાસ રાહત સહાય પેકેજ’ જાહેર કરવાની માંગ કરી

ભાવનગરઃ મત્સ્યોદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન પરષોત્તમ સોલંકીએ મુખ્ય પ્રધાનને પત્ર લખીને રાજયનાં અસરગ્રસ્ત માછીમારો માટે ‘ખાસ રાહત સહાય પેકેજ’ જાહેર કરવાની પત્રમાં માંગ કરી હતી.
પ્રધાને પત્રમાં જણાવ્યું કે,વિશાળ દરિયાઇ કાંઠો ધરાવતા આપણા ગુજરાત રાજય માટે મત્સ્યોદ્યોગ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. રાજયનાં લાખો માછીમાર પરિવારો માટે રોજી-રોટીનું એક માત્ર માધ્યમ મત્સ્યોદ્યોગ છે. ચાલુ વર્ષે રાજયમાં ૧૫મી ઓગષ્ટથી માછીમારીની સિઝનની શરૂઆત થઇ ત્યારથી આજદિન સુધી વારંવાર ખરાબ હવામાન, વાવાઝોડું તેમજ ભારે વરસાદ જેવી આવી પડેલ વિવિધ કુદરતી આફતોના કારણે માછીમારી સિઝનનાં શરૂઆતનાં બે-ત્રણ મહિના નિષ્ફળ જવાથી રાજયનાં માછીમારોને ખૂબ જ મોટા પ્રમાણમાં આર્થિક નુકશાનીનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચો : ગુજરાતના નવા પ્રધાનમંડળમાં ખાતાની ફાળવણી: કોને કયો વિભાગ મળ્યો?
લાખો માછીમાર પરિવારો મુશ્કેલીમાં મુકાઇ જવા પામ્યા છે. રાજયનાં અસરગ્રસ્ત માછીમાર પરિવારોનાં આવા કપરા સમયમાં તેમને રાજય સરકાર તરફથી આર્થિક મદદ મળી રહે તે માટે ખાસ રાહત સહાય પેકેજ જાહેર કરવા માંગ છે.



