60 વર્ષના ઈતિહાસમાં શેત્રુંજી ડેમ પ્રથમ વખત સતત છઠ્ઠા વર્ષે ઓવરફ્લો થયો…

ભાવનગરઃ પાલિતાણા તાલુકાના રાજસ્થળી ગામ પાસે આવેલો સૌરાષ્ટ્રનો વિશાળ શેત્રુંજી ડેમ સતત છઠ્ઠા વર્ષે ઓવરફ્લો થયો હતો. ૬૦ વર્ષના ઈતિહાસમાં સતત પાંચ કે તેનાથી વધુ વખત ડેમ ઓવરફ્લો થયો હોય તેવી પ્રથમ ઘટના બની હતી.
કેટલા લાખના ખર્ચે બન્યો હતો ડેમ
વર્ષ ૧૯૫૫-૫૬માં શેત્રુંજી ડેમનું બાંધકામ શરૂ થયા બાદ ૧૯૬૫માં શેત્રુંજી ડેમ બનીને તૈયાર થઈ ગયો હતો. પ્રથમ વખત વર્ષમાં જળાશય છલોછલ છલકાયો હતો. ત્યારબાદ ચાર વર્ષ સુધી ડેમને ઓવરફ્લોનો દુકાળ નડયા બાદ વર્ષ ૧૯૭૦માં ફરી છલકાયો હતો. ભાવનગર જિલ્લાને સિંચાઈ અને પીવાના પાણીનું સમસ્યામાંથી ઉગારવાના હેતું સાથે નિર્માણ પામેલા શેત્રુંજી ડેમ પાછળ ૬૯૬ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. પાંચ તાલુકાના ૧૨૨ ગામ માટે શેત્રુંજીનું પાણી અમૃત સમાન છે. પાલિતાણાના ૧૩, તળાજાના ૭૮, મહુવા અને ભાવનગરના ૧૩ તેમજ ઘોઘાના ૦૫ ગામને સિંચાઈનો લાભ મળે છે. ચાલું વર્ષે નૈઋત્ય ચોમાસાના પ્રારંભિક તબક્કામાં જ ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં અને ૧૭મી જૂન, છઠ્ઠી જુલાઈ અને છેલ્લે ૧૩મી જુલાઈના રોજ ડેમે છલક સપાટી વટાવી હતી.
ડેમ ક્યારે ક્યારે ઓવરફ્લો થયો
૧૯૬૫, ૧૯૭૦, ૧૯૭૧, ૧૯૭૬, ૧૯૭૭, ૧૯૭૯, ૧૯૮૦, ૧૯૮૨, ૧૯૮૩, ૧૯૮૮, ૧૯૯૦, ૧૯૯૪, ૨૦૦૨, ૨૦૦૫, ૨૦૦૬, ૨૦૦૭, ૨૦૦૮, ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૨૦, ૨૦૨૧, ૨૦૨૨, ૨૦૨૩, ૨૦૨૪, ૨૦૨૫ અને ૨૦૨૬ આટલા વર્ષો દરમિયાન ડેમ ઓવરફ્લો થયો હતો.