પાલીતાણામાં ગણેશ વિસર્જન બાદ પરત ફરતું વાહન પલટી જતાં એક મહિલાનું મોત

ભાવનગર: જિલ્લાના પાલીતાણા તાલુકાના પીપરડી ગામમાં ગણેશ વિસર્જન કરીને પરત ફરી રહેલી મહિલાઓનું વાહન પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે ૧૫ થી વધુ મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી.
મળતી વિગતો અનુસાર, પાલીતાણા તાલુકાના પીપરડી ગામની મહિલાઓ ગણેશ વિસર્જન કરીને પરત ફરી રહી હતી ત્યારે પાલીતાણાથી હસ્તગિરી તરફ જતા રોડ પર ડ્રાઇવરે કોઈ કારણોસર વાહન પરનો કાબૂ ગુમાવી દેતા વાહન પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ પણ વાંચો: જામનગરમાં વિસર્જન વખતે કરૂણાંતિકાઃ તળાવમાં ડૂબતા પિતા સહિત બે બાળકનાં મોત
અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી મહિલાઓને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ દુર્ઘટનામાં અંજલીબેન દીપકભાઈ વાઘેલા નામની મહિલાનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય મહિલાઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં કોળી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચી ગયા હતા.