માયાભાઈ આહીરના દીકરા દ્વારા હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, 15 કોળી આગેવાનો કરશે આત્મવિલોપન

ભાવનગરઃ માયાભાઈ આહીરના દીકરા દ્વારા કરવામાં આવેલા હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ આવ્યો હતો. 15 કોળી આગેવાનો આત્મવિલોપનનો પ્રયાસ કરશે. નવનીત બાલધીયાને ન્યાયની માંગ સાથે 15 કોળી આગેવાનોએ તા. 15 જાન્યુઆરીના રોજ આત્મવિલોપનની ચીમકી આપી હતી.
ભાવનગર કોળી સમાજના વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયેલી પોસ્ટ મુજબ, જો બગદાણાના નવનીતભાઈને ન્યાય નહીં મળે તો આગામી તા. 15ના રોજ કોળી સમાજના આગેવાનો, કાર્યકરો બગદાણા ખાતે આત્મવિલોપન કરશે. સૂત્રોએ જણાવ્યું કે, બગદાણાની અંદર અમારા સમાજના આગેવાન નવનીત બાલધીયાને માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર અને તેના સાથીઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. તેની સામે કોઈ જાતની કાર્યવાહી થઈ હતી. આ માટે અમે 14 જાન્યુઆરી સુધી રાહ જોવાના છીએ અને 15 તારીખે બપોરે 11 વાગ્યે બગદાણા ખાતે આત્મવિલોપન કરવાના છીએ.
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, એસઆઈટી દ્વારા જે તપવાસ થઈ રહી છે તેનાથી અમને સંતોષ છે પરંતુ 14 તારીખ સુધીમાં કોઈ ન્યાય નહીં આવે તો અમે આત્મવિલોપન કરીશું. આ કેસમાં જેનું નામ મુખ્ય આરોપી તરીકે છે તે જયરાજ આહીરને છાવરવામાં આવે છે. તેની સામે જયાં સુધી કોઈ પગલાં નહીં ભરવામાં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે બગદાણા વિવાદને લઈ મુંબઈ સમાચારે તાજેતરમાં ટોક શો કર્યો હતો. જેમાં ગુજરાતના જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશ મહેતાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
શું છે સમગ્ર મામલો
ઉલ્લેખનીય છે કે, આ આખા વિવાદના મૂળ મુંબઈમાં યોજાયેલા માયાભાઈ આહીરના ડાયરામાં રહેલા છે. ત્યારથી શરૂ થયેલી આ માથાકૂટમાં નવનીત બાલધિયા મેદાનમાં આવ્યા હતા અને તેમના પર હુમલો થયો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે જયરાજ આહીરના કહેવાથી તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…સૌરાષ્ટ્રમાં કોળી સમાજ સામે સરકાર ઝૂકી, આશ્રમના સેવક પર હુમલો કરનારા PIને હટાવી દીધા



