ભાવનગરની કોળી સમાજની સભામાં ‘માયાભાઈ ચોર છે’ના નારા લાગ્યા, અંબરીશ ડેર સામે થયા શું આક્ષેપો ?

ભાવનગરઃ રવિવારે ભાવનગરમાં કોળી સમાજની ન્યાય સભા યોજાઈ હતી. જેમાં માયાભાઈ ચોર છેના નારા લાગ્યા હતા. જ્યારે અંબરીશ ડેર સામે પણ આક્ષેપો થયા હતા. કોળી સમાજની સભામાં જીતુભાઈ ધાપડાએ કહ્યું, નવનીતભાઈનું તો એટલું જ દુઃખ લાગ્યું હતું કે, એના બાપા પાસે માફી મગાવી હતી. હું કહું છું માયાભાઈ ચોર છે.
અંબરીશ ડેર સામે થયા શું આક્ષેપો
આ ઉપરાંત તેમણે પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને માયાભાઈ સામે કરોડોની જમીન છેતરપિંડીથી પચાવી પાડવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ, વર્ષ 2007માં જમીનના પુરાવાઓનો નાશ કરી, 2019માં સત્તાનો દુરુપયોગ કરીને બિનપાત્ર દસ્તાવેજ દ્વારા જમીન માયાભાઈના પુત્ર ભરતભાઈના નામે કરાવી લેવામાં આવી છે. જમીન માલિકનો દાવો છે કે આ દસ્તાવેજ બિનપાત્ર છે અને તેની સામે તેમનો હુકમ પણ નીકળેલો છે. વર્ષ 2007થી જમીનનો કબજો ફરિયાદી પાસે હોવા છતાં, સામા પક્ષ દ્વારા 500 ગાડીઓ સાથે આવી કબજો લેવાની ધમકી આપવામાં આવી રહી છે. તેમણે પોલીસ અને સત્તાના જોરે આ નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હોવાનું આક્ષેપ કર્યો હતો. ઉપરાંત જો નિષ્પક્ષ તપાસ થાય તો આ કેસમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે તેમ જણાવ્યું હતું.
મારી જેમ અન્ય પીડિતોને પણ ન્યાય મળવો જોઈએ
ભાવનગરમાં કોળી ન્યાય સભામાં નવનીત બાલધિયાએ જય કોળી સમાજ સાથે સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું, મારી જેમ અન્ય પીડિતો પણ છે અને તેમને પણ ન્યાય મળવો જોઈએ. હું કોળી સમાજનો દીકરો છું અને કોળીના દીકરાને માર મારવા માણસો ભાડે લાવવા પડે છે.
શું છે સમગ્ર મામલો
બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસે 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી.
જેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતાં તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું, જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું હતું.
આ પણ વાંચો…કોળી સમાજની એકતામાં તિરાડ, ભાવનગર સંમેલનમાં ગેરહાજર હીરા સોલંકીએ ગાંધીનગરમાં સમાજની બેઠક કરી



