પરિણીત PSIએ યુવતીને બદનામ કરી! અંગત વીડિયો મોકલી સગાઈ તોડાવી, અને નોંધાઈ ફરિયાદ

ભાવનગર: જિલ્લામાં ફરજ બજાવી ચૂકેલા પીએસઆઈ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. તત્કાલીન PSI બેન્ઝામિન પરમાર વિરુદ્ધ એક યુવતીએ પ્રેમ સંબંધની જાળમાં ફસાવી તેની મરજી વિરુદ્ધ જુદા જુદા સ્થળો પર લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી.
મળતી વિગતો અનુસાર, ભાવનગર જિલ્લામાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ પોરબંદર જિલ્લાની એલઆઈબી શાખામાં ફરજ બજાવતા તત્કાલીન PSI બેન્ઝામિન પરમાર વિરુદ્ધ એક યુવતીએ ગંભીર ફરિયાદ નોંધાવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. પરમાર પરિણીત હોવા છતાં એક યુવતીને પ્રેમ સંબંધની જાળમાં ફસાવી તેની મરજી વિરુદ્ધ જુદા જુદા સ્થળો પર લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે.
ફરિયાદ મુજબ, PSI પરમારની પોરબંદર બદલી થઈ ગયા બાદ પણ યુવતી પર તેની નજર હતી. જ્યારે યુવતીની સગાઈ થઈ ગઈ હોવાની માહિતી PSI પરમારને મળી, ત્યારે બદલો લેવાના ઇરાદે આરોપીએ યુવતીના અંગત પળોના વીડિયો તેના ભાવિ સાસરિયા પક્ષને મોકલી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કૃત્યના પરિણામે યુવતીના ભાવિ સાસરિયા દ્વારા સંબંધ તોડી નાખવામાં આવ્યો હતો.
ભોગ બનનાર યુવતીએ આ સમગ્ર મામલે PSI બેન્ઝામિન પરમાર વિરુદ્ધ ભાવનગરના નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ભરતનગર પોલીસ મથકના પી.આઈ. કુરેશીને તપાસ સોંપવામાં આવી હતી. પોલીસે પોરબંદર ખાતેથી આરોપી PSI બેન્ઝામિન પરમારની ધરપકડ કરી તેને ભાવનગર લાવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા PSI પરમાર વિરુદ્ધ દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



