ભાવનગર

ભાવનગરમાં મહિલા પોલીસના ઘરેથી વોન્ટેડ આરોપી અને દારૂ ઝડપાયો: ત્રણની ધરપકડ

ભાવનગર માં મહિલા કોન્સ્ટેબલના ઘરેથી દારુ અને વોન્ટેડ આરોપી ઝડપાતા પોલીસે બે મહિલાકર્મી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવલી ગામે વાડી વિસ્તારમાં આવેલા પીપરલા રોડ પર રહેતા પાર્થ દિનેશ ધાંધલ્યા વિરુદ્ધ એટ્રોસિટી અંગે ફરિયાદ દાખલ થઈ હતી. આ ગુનો નોંધાયા બાદ આરોપી વોન્ટેડ હોય આરોપીને ભાવનગર શહેરના ટોપ થ્રી સર્કલ પાછળ આવેલ રોયલ પાર્ક પ્લોટ નંબર.18માં રહેતી અને ભરતનગર પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નયનાબેન નાનજીભાઈ બારૈયા નામની મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરમાં આશરો આપ્યો હોવાની બાતમી એસસી-એસટી સેલની ટીમને મળી હતી.

સેલ અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે સંયુક્ત કામગીરી હાથ ધરી રોયલ પાર્કમાં રહેતી મહિલા કોન્સ્ટેબલના ઘરે દરોડો પાડતા ભાગેડુ આરોપી પાર્થ દિનેશ ધાંધલીયા ઉં. વ. 26 હાજર મળી આવ્યો હતો અને ઘરની તલાસી લેતા ઘરમાંથી એક ઇંગ્લિશ દારૂની બોટલ અને એક બિયર નું ટીન ખાલી મળી આવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાતમાં દારૂનું દૂષણ: ભાવનગરના સરતાનપર ગામમાં 700 વિધવા, દારૂબંધીના દાવા પર સવાલ

મહિલા કોન્સ્ટેબલ નયના નાનજીભાઈ બારૈયા ઉ.વ.34 તથા અન્ય એક મહિલા કોન્સ્ટેબલ ઉષા ભુપતભાઈ જાની ઉં.વ.29 રહે.વિદ્યાનગર નવી પોલીસ લાઈન વાળી પણ ઘરમાં હાજર મળી આવેલ આથી એસસી-એસટી સેલની ટીમ તથા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બે મહિલા કોન્સ્ટેબલ અને એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરી ત્રણેય વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, આ બનાવને લઈને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.

આ અંગે ડીવાયએસપી રીમા ઝાલાએ જણાવ્યું હતું કે, 13-9 ના રોજ મારામારી તેમજ એટ્રોસિટી કલમ અંતર્ગત આરોપી અનિલ રણછોડભાઈ બારૈયા, મુકેશ રણછોડભાઈ બારૈયા તથા બે અજાણ્યા ભાણેજો વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો, જે અંતર્ગત તમામ આરોપીઓ ફરાર થઇ જતા આરોપીની શોધખોળ કરવા વિવિધ ટીમ બનાવવામાં આવી હતી. નયનાબેન મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે તે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને તેના ઘરની ઝડપી દરમિયાન દારૂની બોટલ મળી આવી હતી અને સમગ્ર બનાવ બાદ બંને મહિલા પોલીસ કોન્સ્ટેબલ તેમજ આરોપી પાર્થ ત્રણેય ઉપર પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને વધુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો : ગાંધીનગરમાં બાર વર્ષની કિશોરીએ આત્મહત્યા કરી, કચ્છ બાદ બીજો કિસ્સો…

ભાવનગરમાં સાત પોલીસકર્મી સસ્પેન્ડ

દરમિયાન ભાવનગર શહેર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા સાત જેટલા પોલીસકર્મીને વિવિધ કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર પોલીસ મેળામાં ફરજ બજાવતા સાત પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વિગતો બહાર આવતા પોલીસબેડા માં ખળભરાટ સાથે ચકચાર મચી જવા પામી છે. આ અંગે મોડી રાતે અથવા આવતીકાલે નામો જાહેર કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button