ટોપ ન્યૂઝભાવનગર

તરસ્યા સાવજોને સથવારો ખપે: એશિયાઈ સિંહની ગણતરી વખતે જોવા મળ્યો અલભ્ય નજારો

ભાવનગરઃ રાજ્યમાં સિંહની વસ્તી ગણતરી દરમિયાન ભાવનગર નજીક અત્યાર સુધીનું સૌથી મોટું સિંહ કુટુંબ જોવા મળ્યું હતું. 20 સભ્યોના આ શાહી પરિવારને ભાવનગરની ટીમે નોંધ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્રમાં એક ટીમ દ્વારા 20 સિંહોનો બીજો સમૂહ જોવા મળ્યો હતો. રાજસ્થળી-વીરડી વિસ્તારમાં બે પુખ્ત સિંહ, છ સિંહણ અને ત્રણ મહિનાથી એક વર્ષ સુધીના આશરે 13 બચ્ચાઓને વિશાળ પરિવાર જોવા મળ્યો હતો. આ વિસ્તારમાં નવ સિંહનો અન્ય સમૂહ પણ જોવા મળ્યો હતો. જે ભાવનગર સિંહ માટે મહત્ત્વપૂર્ણ રહેણાંક સ્થળ બની ગયું હોવાનું દર્શાવે છે.

મીતીયાળા અભ્યારણ્ય વિસ્તારમાં બીજી ટીમને 17 સિંહનો પરિવાર જોવા મળ્યો હતો. ગીરમાં લગભગ 10-12 સિંહનું ટોળું સામાન્ય હતું. સૂત્રોના કહેવા પ્રમાણે, અત્યાર સુધીના સૌથી મોટા પરિવારમાં 18 સિંહનો સમૂહ જોવા મળ્યો હતો. 2022માં ગડકબારી ખાતે એક ફોટોગ્રાફરે તેમને કેદ કર્યા હતા.

આ પણ વાંચો: Gujarat માં પ્રોજેક્ટ લાયનના દાવા પોકળ, બે વર્ષમાં 286 સાવજના મોત

સૂત્રોના કહેવા પ્રમાણે, સિંહોની સંખ્યા સામાન્ય રીતે જાહેર કવામાં આવેલા આંકડા કરતા વધારે હોઈ શકે છે. 2015માં સિંહોની વસ્તીમાં 27.25 ટકા, 2020માં 29.78 ટકા વધારો થયો હતો. આ વર્ષે સિંહની વસ્તીમાં 30 ટકાથી વધુના વધારાની અપેક્ષા છે. સિંહોની વસ્તી 900 આસપાસ હોઈ શકે છે. સિંહોની સત્તાવાર સંખ્યાનો આંકડો એક પખવાડિયામાં જાહેર થવાની શક્યતા છે.

રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ 11 જિલ્લાના 58 તાલુકાના 35 હજાર ચો.કિમી. વિસ્તારમાં ડાયરેક્ટ બીટ વેરીફીકેશન પદ્ધતિથી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: અહેમદપુર માંડવીના બીચ પર સાવજોની લટાર; ગીર છોડી દરિયાકિનારે પહોંચ્યા વનરાજ…

સિંહોની સંખ્યામાં સતત વધારો નોંધાયો

રાજ્ય સરકાર દ્વારા એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ગ્રામ્ય કક્ષાએ ઇકો-ડેવલપમેન્ટ કમિટીની સ્થાપના, વન્ય પ્રાણી મિત્ર નક્કી કરવાં, નિયમિત સમયાંતરે નૈસર્ગિક શૈક્ષણિક કેમ્પનું આયોજન, ગીરની વનસ્પતિસૃષ્ટિ તેમજ તૃણાહારી જીવસૃષ્ટિનું નિરીક્ષણ-દેખભાળ તેમજ કૌશલ્યવાન માનવબળ સાથે સ્થાનિક લોકોનો સહકાર લેવો જેવા અવિરત પ્રયાસો કરવામાં આવે છે, જેના પરિણામે સિંહોની પ્રત્યેક વસતી ગણતરી વખતે તેઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે.

વર્ષ 2020માં સિંહોની વસ્તી કેટલી હતી?

ગુજરાતમાં સિંહની વસ્તી અંદાજની કામગીરી, મુલ્યાંકન અને સંરક્ષણના પરિણામે રાજ્યમાં ઉત્તરોત્તર સિંહની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌપ્રથમ વર્ષ 1936માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ ૧૯૯૫માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને કુલ 304 જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ 2001માં કુલ 327 , વર્ષ 2005 માં કુલ 359, વર્ષ 2010માં કુલ 411 , વર્ષ 2015માં કુલ 523 અને છેલ્લે વર્ષ 2020માં કુલ 674 જેટલા સિંહોની વસ્તી નોંધાઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button