
ભાવનગરઃ નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં માયાભાઈ આહીરના દીકરા જયરાજની ધરપકડ થયા બાદ તેને જેલ હવાલે કરાયો હતો. કોળી સમાજને ન્યાય મળતા ભાવનગરમાં ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. જોકે પરષોત્તમ સોલંકી, હીરા સોલંકી, કુંવરજી બાવળીયા જેવા નેતાઓની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી. આ સભામાં બોલતાં કોળી સમાજના આગેવાન હરેશ મેરએ કહ્યું, આપણા આખા સમાજને રોડે ચડાવવાનું કામ કર્યું છે તેને 2027ની ચૂંટણીમાં મારા સમસ્ત કોળી સમાજને વિનંતી છે, તમને કોળી સમાજની માતાજીના સોગંધ છે, જો જીતુ વાઘાણીને રોડે ન ચડાવો તો.
ફક્ત કોળી સમાજની સભા છેઃ ઋષિ ભારતી બાપુ
સભામાં ઉપસ્થિત રહેલા ઋષિ ભારતી બાપુએ કહ્યું, આ કોઈ પાર્ટીની સભા નથી. સમાજના જે પણ આગેવાનો આવ્યા છે એ પાર્ટીના ખેસ ઊતારીને અહીં આવ્યા છે. માત્ર ને માત્ર કોળી સમાજનો ખેસ પહેરી સૌ કોઈ અહીં હાજર રહ્યા છે. આ ફક્ત કોળી સમાજની સભા છે ન કે કોઈ પાર્ટીની. સમાજના ભાઈઓ-બહેનોને હજુ ક્યાક એવુ લાગે છે કે આખા કોળી સમાજને 25 દિવસ દોડાવ્યો તો જે વ્યક્તિએ આખા સમાજને દોડાવ્યો તેને પણ દોડાવવો જોઈએ આવી એક ઈચ્છા રહી છે એટલા માટે આ ન્યાય સભા થઈ રહી છે.
માયાભાઈ ચોર છેઃ જીતુભાઈ ધાપડાએ કહ્યું,
કોળી સમાજના આગેવાન આગેવાન જીતુભાઈ ધાપડાએ કહ્યું, નવનીતભાઈનું તો એટલું જ દુઃખ લાગ્યું હતું કે, એના બાપા પાસે માફી મગાવી હતી. હું કહું છું માયાભાઈ ચોર છે…માયાભાઈ ચોર છે. તેમણે પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને માયાભાઈ સામે કરોડોની જમીન છેતરપિંડીથી પચાવી પાડવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ, વર્ષ 2007માં જમીનના પુરાવાઓનો નાશ કરી, 2019માં સત્તાનો દુરુપયોગ કરીને બિનપાત્ર દસ્તાવેજ દ્વારા જમીન માયાભાઈના પુત્ર ભરતભાઈના નામે કરાવી લેવામાં આવી છે. જમીન માલિકનો દાવો છે કે આ દસ્તાવેજ બિનપાત્ર છે અને તેની સામે તેમનો હુકમ પણ નીકળેલો છે. વર્ષ 2007થી જમીનનો કબજો ફરિયાદી પાસે હોવા છતાં, સામા પક્ષ દ્વારા 500 ગાડીઓ સાથે આવી કબજો લેવાની ધમકી આપવામાં આવી રહી છે. તેમણે પોલીસ અને સત્તાના જોરે આ નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હોવાનું આક્ષેપ કર્યો હતો. ઉપરાંત જો નિષ્પક્ષ તપાસ થાય તો આ કેસમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે તેમ જણાવ્યું હતું.
જેલમાં બંધ જયરાજને 11 નંબરની બેરેક ફાળવવામાં આવી
નવનીત બાલધિયા પર હુમલા કેસમાં તાજેતરમાં માયાભાઈ આહીરના દીકરા જયરાજની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને ભાવનગર જેલમાં મોકલવામાં આવ્યો હતો. જેલમાં બંધ જયરાજને 11 નંબરની બેરેક ફાળવવામાં આવી છે. તેમજ ટિફિન-બિસ્ત્રાની અરજી મંજૂર કરવામાં આવી હતી. જેથી હવે તેને ઘરેથી જમવાનું પણ મળી શકશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જયરાજ જેલમાં આવેલા પુસ્તકાલયમાં પુસ્તકો વાંચીને દિવસ પસાર કરી રહ્યો છે. જયરાજને જેલમાં લાવવામાં આવ્યો ત્યારે તેને આફટર બેરેકમાં રાખવામાં આવ્યો હતો. જે બાદ હાલ તેને 11 નંબરની બેરેક ફાળવવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો
બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસે 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી.
જેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતાં તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું, જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું હતું.
આપણ વાંચો: ગુજરાતને મળશે નવો હાઈ-સ્પીડ કોરિડોર: ₹10,534 કરોડના ખર્ચે બદલાઈ જશે ઉત્તર ગુજરાતની કનેક્ટિવિટી



