ભાવનગરના પાળિયાદમાં એસ.ટી બસમાં મહિલા પાસે 4.28 લાખના ઘરેણાંની ચોરી | મુંબઈ સમાચાર

ભાવનગરના પાળિયાદમાં એસ.ટી બસમાં મહિલા પાસે 4.28 લાખના ઘરેણાંની ચોરી

ભાવનગર: પાળિયાદમાં એસ ટી બસમાં ધોળા દિવસે ચોરીનો ચકચારી બનાવ બન્યો હતો. સુરેન્દ્રનગર-બોટાદ રૂટની બસ પાળિયાદ બસ સ્ટેશન પાસે પહોંચી ત્યારે ઉતરવાની તૈયારી કરી રહેલી એક મહિલાનું રોકડ અને સોના-ચાંદીના દાગીના ભરેલું પર્સ ગઠીયાએ પડાવી લીધું હતું. મહિલા કચ્છના રાપર તાલુકાના સઈ ગામની રહેવાસી છે.

કચ્છના રાપર તાલુકાના સઈ ગામની રહેવાસી મનહરબા રાસુભા જાડેજાએ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે બોટાદના સરવા ગામ ખાતે મામાની દિકરીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહી હતી. મહિલા 12 વર્ષના દીકરા વિરેન્દ્ર તથા તેના મામાની દિકરી ગીતા સાથે સઈ ગામથી સમખીયાળી સુધી ખાનગી કારમાં અને સમખીયાળીથી બસમાં સુરેન્દ્રનગર સુધી આવી હતી.

મહિલા સુરેન્દ્રનગર-બોટાદ રૂટની એસ.ટી બસમાં બેસીને ભાવનગરના પાળિયાદ આવી રહી હતી. સાંજના સવા પાંચ વાગ્યે પાળિયાદ સાયલા ચોકડીથી બસ સ્ટેશન વચ્ચેના રસ્તે તે બસમાંથી ઉતરવા થેલા લઈ રહી હતી, એ દરમિયાન પર્સને દિકરાના હાથમાં આપ્યું હતું. મહિલા પાળિયાદ બસ સ્ટેશન પર ઉતરી ત્યારે જોયું તો દિકરાના હાથમાં પર્સ ન હતું.

આ પણ વાંચો : ભાવનગરમાં ડિમોલિશન અટકાવવા કોંગ્રેસે ન્યાયયાત્રા યોજી: શક્તિસિંહ ગોહિલ અને જિજ્ઞેશ મેવાણી જોડાયા

માહિતી મુજબ પર્સમાં રૂ.4,28,130 કિંમતના ઘરેણાં અને રોકડ રકમ હતી. દિકરાએ કહ્યું કે બસમાં કોઈકે તેની પાસેથી પર્સ ચોરી લીધું હતું. બનાવ બાદ લાંબી શોધખોળ છતાં ૫ર્સ નહી મળતા અંતે પાળિયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button