બગદાણા કેસના આરોપી જયરાજ આહીરને જેલમાં VVIP સુવિધાઓ સામે ઉઠ્યા સવાલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાવનગર: બહુચર્ચિત બગદાણા પ્રકરણમાં ભાવનગર પોલીસ બાદ હવે જેલ પોલીસ પણ શંકા ના ઘેરાવવામાં આવી હતી. નવનીત બાલધીયાએ જિલ્લા જેલમાં બંધ જયરાજ આહીર ને વૈભવી સુવિધા મળતી હોવાનો આક્ષેપ કરી ડીજીપીને રજૂઆત કરી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
બગદાણાના ચકચારી હુમલા કેસમાં ભાવનગર જિલ્લા જેલમાં બંધ જયરાજ માયાભાઈ ભમ્મર ને જેલ પ્રશાસન દ્વારા નિયમો વિરુદ્ધ વીવીઆઈપી સુવિધા આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે નવનીત બાલધિયાએ તપાસની માગ કરી હતી. આ સાથે નવનીત બાલધિયાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા જણાવ્યું કે, કાયદો બધા માટે સમાન હોવો જોઈએ, જેલ એ સજા ભોગવવાનું સ્થળ છે.
મળતી માહિતી મુજબ, મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર સહિતના અન્ય શખસોને જેલમાં સામાન્ય કેદીઓ કરતા અલગ અને વૈભવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. જેલના નિયમ મુજબ જે ખોરાક બહારથી ન મળી શકે તે આ આરોપીઓ માટે ખાસ વ્યવસ્થા દ્વારા પહોંચાડવામાં આવે છે. સૌથી ચોંકાવનારો આક્ષેપ એ છે કે, સાંજે 6 વાગ્યા પછી પણ આરોપીઓ માટે ભોજનની વ્યવસ્થા થાય છે . આ અંગે નવનીત ભાઈ બાલધીયાએ ડીજીપી ને રજૂઆત કરી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.



