માનવીય ક્રૂરતાએ હદ વટાવી: શિહોરમાં પંથકમાં એક શખ્સે 11 ગૌવંશને મોતને ઘાટ ઉતાર્યા
શિહોર: ભાવનગરના શિહોરની એક ઘટનાએ ખૂબ જ ચકચારી મચાવી છે. મૂંગા પશુઓ પર અને એમાં પણ ગૌવંશની સાથે એવો ક્રૂર વ્યવહાર કરવામાં આવ્યો છે કે જેની વાત સાંભળીને પણ કોઈપણ માણસના રૂંવાટા ઊભા થઈ જશે. શિહોરના અગિયારી ગામે કોઇ એક અજાણ્યા શખ્સ દ્વારા 11 જેટલા ગૌવંશને પુરી દેતા તમામ ગૌવંશના મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે મકાન માલિકે અજાણ્યા શખ્સ દ્વારા વિરુદ્ધ શિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
શિહોર તાલુકાના અગિયારી ગામે રહેતા બાલાભાઈ લક્ષ્મીરામભાઈ ધાંધલીયાના જુના પડતર મકાનમાંથી 10 આખલા અને 1 ગાય મળી 11 ગૌવંશ મૃત હાલતે મળી આવ્યા હતા. મૃત્યુ પામેલા પશુના શરીરમાંથી ભારે દુર્ગંધ ફેલાતા લોકો દોડી ગયા હતા અને ત્યારબાદ ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસ અને મામલતદારને કરવામાં આવી હતી. આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તે રઝળતા આખલાથી ખેતીના પાકને નુકસાન થવાની ઘટનાઓ બનતી હોય છે. જો કે તેમ છતા આજ સુધી આટલી ક્રૂરતાથી ગૌવંશ સાથે વ્યવહાર કરવામાં આવ્યો હોય તેવી કોઇ ઘટના બની નથી. અગિયાળી ખાતેની આ ઘટનાએ તંત્ર અને ગામલોકોની ઊંઘ ઉડાડી દીધી છે. કોઇ માણસ ક્રૂરતાની આટલી હદ વટાવે તે જાણીને જ લોકોના રૂંવાટા ઊભા થઈ ચૂક્યા છે. જો કે આ ઘટના બાદ ગૌપ્રેમીમાં પણ ભારે રોષ વ્યાપ્યો છે.
આ ઘટના બાદ પડતર મકાનના માલિક બાલાભાઈ લક્ષ્મીરામભાઈ ધાંધલ્યા દ્વારા શિહોર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 325 અને પાશુઓ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાના અધિનિયમની કલમ 11 (1)(1) મુજબ ગુનો નોંધી ન્પહ તપાસ હાથ ધરી છે. આ બનાવથી ગૌપ્રેમીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે.