ભાવનગરમાં લગ્નના દિવસે જ દુલ્હાએ કરી દુલ્હનની હત્યા, લગ્ન ગીતના બદલે ગવાયા મરસિયા

ભાવનગરઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક દુલ્હાએ તેની દુલ્હનની છરીના ઘા ઝીંકીને હત્યા કરતાં ચકચાર મચી ગઈ હતી. ભાવિ પતિ દ્વારા જ ખૂની ખેલ ખેલવામાં આવતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા હિંમતભાઈ જીવાભાઇ રાઠોડની પુત્રી સોનીબેનની આજે સવારે તેના જ ઘરમાં ભાવિ પતિ સાજન દ્વારા હત્યા કરવામાં આવી હતી. હત્યારો યુવતીને છરીના ઘા ઝીંકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. સૌથી દુઃખદ વાત એ છે કે આજે જ સોનીબેનના લગ્ન હતા. જે ઘરમાં લગ્નના ગીત અને શરણાઈના સૂર ગુંજવાના હતા, ત્યાં આજે આક્રંદ અને માતમ છવાઈ ગયો હતો.
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસે હત્યારાની ભાળ મેળવવા માટે પરિવારજનોના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત ઘટનાસ્થળ પરથી ફિંગરપ્રિંટ સહિતના તમામ વૈજ્ઞાનિક પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસ તેજ કરી છે.
રાજકોટમાં પતિની હત્યા બાદ પતિએ આત્મહત્યા કરી
રાજકોટ શહેરના જામનગર રોડ પર નાગેશ્વર નજીક આવેલા સમેત શિખર એપાર્ટમેન્ટમાં પતિએ પત્નીને ગોળી મારી દીધા બાદ પતિએ પણ ગોળી મારી ખાઈને આપઘાત કરી લીધો હતો પત્નીના ભત્રીજા સાથેના અનૈતિક સંબંધોની શંકાના આધારે ઉશ્કેરાયેલા પતિએ પત્ની પર ફાયરિંગ કરી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. પતિએ પોતે જ લમણે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ત્યારે બની ત્યારે પત્ની યોગા ક્લાસમાંથી પરત ફરી રહી હતી. તે સમયે જ પતિએ તેને આંતરી હતી અને તેની પર ગોળી ચલાવી દીધી હતી. ગોળી વાગવાથી પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પત્ની પર હુમલો કર્યા બાદ પતિએ એ જ હથિયાર વડે પોતાના લમણે ગોળી મારી જીવન ટૂંકાવી લીધું હતું.
આ પણ વાંચો…બીડમાં સરપંચની હત્યા: એમસીઓસીએ કોર્ટે ચાર આરોપીને છોડી મૂકવાનો ઇનકાર કર્યો



