વરસાદી માહોલ વચ્ચે આજે ભાવનગર જિલ્લાની 224 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન

ભાવનગર : જિલ્લામાં આજે રવિવારે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન થશે. શુક્રવાર સાંજથી ગ્રામ પંચાયતોમાં જાહેર પ્રચાર પડધમ શાંત થઇ ગયા છે. હવે સરપંચ-સભ્યોના ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચાર અને ખાટલા બેઠક કરી મતદારોને રિઝવવાના પ્રયાસ કરી રહ્યા છે. જિલ્લામાં સતત ત્રણ દિવસ વરસેલા ભારે વરસાદના કારણે મોટાભાગના ગામડાઓ અસરગ્રસ્ત થતાં ચૂંટણી પ્રચારનો ઉત્સાહ ઓસરી ગયો હોય તેમ લાગી રહ્યું છે.
મળતી વિગતો અનુસાર આજે યોજાનાર તળાજા તાલુકાની 44 ગ્રામ પંચાયતો પૈકી 30 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે હરીફ ઉમેદવારો અને પક્ષો વચ્ચે રસાકસી ભર્યો ચૂંટણી જંગ શરૂ થઈ ગયો છે. આ અગાઉ અગાઉ સેવાલિયા, હમીરપરા, માંડવા, બાંભોર, મંગેળા, લીલીવાવ, ધારડી, ઉમરલા, ગઢુલા, પીંગળી, અને રોયલ સહિત 14 ગ્રામ પંચાયતો સમરસ જાહેર ગઇ છે.
આપણ વાંચો: વડોદરા ભાજપમાં કકળાટઃ ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલાં બે દિગ્ગજોની જાહેરમાં આક્ષેપબાજી
ચૂંટણી સબબ તાલુકા, જિલ્લાનું વહીવટી તંત્ર કાર્યરત થઈ ગયું છે. સિહોરની 26 ગ્રામ સમરસ થયા,36 ગામોમાં ચૂંટણી : સિહોર તાલુકાના 78 પૈકી 62 ગામોનું સંચાલન છેલ્લા કેટલાય સમયથી વહીવટદાર અને તલાટી-કમ-મંત્રી દ્વારા થતું હતું.આ 62 ગામો પૈકી 26 ગામોએ સમરસતા દાખવતા, 26 ગ્રામ પંચાયત સમરસ થઇ ગઇ હતી. હવે બાકી રહેલી 36 ગ્રામ પંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે.
વલભીપુર તાલુકાના 22 ગ્રામ પંચાયતોની સામાન્ય ચુંટણી માટે આજે મતદાન થશે. માલપરા, દાત્રેટીયા, લુણધરા,જલાલપર,પાટાણા,પાણવી,હળીયાદ,ચમારડી, નવી રાજસ્થળી, મુળધરાઇ, તોતણીયાળા, નશીતપુર, દરેડ, જુનારત નપુર, લોલીયાણા, કાળાતળાવ, મેવાસા, મોણપુર, પીપરીયા, ખેંતાટીંબી, આણંદપુર, પીપળી ગ્રામ પંચાયતમાં સરપંચ પદની ચુંટણી થવાની છે.
જેમાં કુલ-53 બુથો ઉપર મતદારો મતદાન કરશે. પીપરીયા ગામે કુલ 855 મતદારો છે તેમાં 5 ઉમેદાવારો મેદાનમાં છે જયારે પીપળી ગામે કુલ-815 મતદારોની સામે 7 ઉમેદવારોએ સરપંચ બનવા માટે જંગમાં ઝંપલાવ્યું છે.24 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે,
ગારીયાધાર તાલુકાના 10 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ 9 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી જાહેર થઈ હતી. જેમાંથી 10 ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી 2 ગ્રામ પંચાયત સુરવીલાસ તેમજ આણંદપુર પીપળવા સમરસ જાહેર થઈ છે, જેથી હવે 8 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી જેમાં પાલડી, શિવેન્દ્રનગર, રૂપાવટી ખારડી, જાળીયા, માનવીલાસ, સાંઢ ખાખરા અને ચોમલ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. જ્યારે પેટા ચૂંટણીમાં માંડવી ગ્રામ પંચાયત તેમજ ભંડારીયા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે.