ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની અને સંતાનોની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ, ઘરથી 20 ફૂટ દૂર ખાડામાંથી મળ્યા હતા મૃતદેહ

ભાવનગરઃ શહેરમાં ચકચાર જગાવનારી અને હૃદય કંપાવી દેનારી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી હતી. દસ દિવસથી ગુમ થયેલા એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ ફોરેસ્ટ કોલોની નજીક આવેલા કાચના મંદિરની જગ્યામાંથી દટાયેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો. ફોરેસ્ટ વિભાગમાં ACF તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પત્ની અને બે સંતાનો 5મી નવેમ્બરે ગુમ થયા બાદ 16મી તારીખે ફોરેસ્ટ કોલોનીમાં તેમના ઘરથી 20 ફૂટ દૂર ખાડામાંથી મૃતદેહ મળી આવ્યા હતા.
પોલીસે તપાસ કરતા શૈલેષ ખાંભલાએ જ પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી ક્વાર્ટરના પાછળના ભાગમાં દાટી દીધા હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે ભરતનગર પોલીસ દ્વારા પરિવારના ત્રણ સભ્યોની હત્યા અંગે શૈલેષ ખાંભલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
શું છે મામલો
મળતી માહિતી મુજબ, ભાવનગરના રબારી સમાજના નયનાબેન શૈલેષભાઈ ખાંભલા તેમના પુત્ર અને પુત્રી સાથે ગત તારીખ 5-11-2025 ના રોજ ઘરેથી ગુમ થયા હતા. તેઓ સુરત જવાનું કહીને નીકળ્યા હતા, પરંતુ ત્યારથી તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો.
દસ દિવસ સુધી પરિવારનો કોઈ પત્તો ન લાગતા, ચિંતાતુર પરિવારે સમાજના આગેવાનો દ્વારા DSP ભાવનગરને રૂબરૂ મળીને આ મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવા અને ગુમ થયેલા પરિવારને હેમખેમ પરત લાવવા માટે મદદ કરવા માટે ભાવનાત્મક રજૂઆત કરવામાં આવી હતી.
રવિવારે રાત્રે કરવામાં આવી અંતિમવિધિ
જોકે, આ રજૂઆત બાદ ગુમ થયેલા માતા, પુત્ર અને પુત્રીના મૃતદેહ ફોરેસ્ટ કોલોની નજીક આવેલા કાચના મંદિરની જગ્યામાંથી દટાયેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને બહાર કાઢીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગઈકાલે મૃતક નયનાબેન, દીકરી પૃથા અને દીકરા ભવ્યના મૃતદેહોના પોસ્ટમોર્ટમ બાદ પતિની ગેરહાજરીમાં અને અન્ય પરિવારજનોની ઉપસ્થિતિમાં રવિવારે રાત્રે અંતિમવિધિ કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું કે, જે રીતે મૃતદેહો મળ્યા છે તે એક વ્યકિતનું કામ નથી. કારણ કે ત્રણ વ્યક્તિના મૃતદેહ દાટ્યા છે અને તમે જોઈ શકો છો જેવી રીતે અમને માહિતી મળે છે સાચું ખોટું તો અત્યારે અમને નથી ખબર પણ વાત મળી છે કે, અમારી બેનની જોડે જે પથ્થરો બાંધ્યા છે તો એ એકલા વ્યક્તિનું કામ નથી. ત્રણ ત્રણ મૃતદેહને અંદરના રૂમમાંથી ખાડા સુધી લાવવા એની માથે પાણી નાખવું, રેત નાખવી એ બધું કોઈ એક વ્યક્તિનું કામ નથી આની સાથે અન્ય વ્યક્તિઓ સંડોવાયેલા છે જ તે અમને પ્રબળ શંકા છે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા અગાઉ દાહોદ ખાતે, ત્યાર બાદ જૂનાગઢના મેંદરડામાં અને ફરી દાહોદ ખાતે આરએફઓ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, જે બાદ એક વર્ષ પહેલા એસીએફના પ્રમોશન સાથે તેની ભાવનગર ખાતે બદલી કરવામાં આવી હતી.
આ પણ વાંચો…રાજકોટમાં પત્નીને ગોળી માર્યા બાદ પતિનો આપઘાત; ઘટનામાં સારવાર બાદ પત્નીનું પણ મૃત્યુ



