ધોલેરા SIR અને ભાવનગર વચ્ચે રેલ કનેક્ટિવિટી: ફાઇનલ લોકેશન સર્વેનો આરંભ…

ભાવનગર: ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (DSIR) અને ભાવનગર વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે રેલવે પ્રશાસન દ્વારા 65 કિમી લાંબી સૂચિત ભાવનગર-ધોલેરા રેલવે લાઇનનો ફાઇનલ લોકેશન સર્વે શરૂ કરવામાં આવ્યો છે.
ભાવનગર રેલવે ડિવિઝનના ડીઆરએમએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ધોલેરા SIRના વિકાસને ઝડપી બનાવવાનો અને ભાવનગર પોર્ટનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે. કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ઓગસ્ટ મહિનામાં ભાવનગરની મુલાકાત લીધી હતી અને અધિકારીઓને આ લિંક અંગે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

આ પ્રોજેક્ટ હેઠળ નવી બ્રોડગેજ લાઇન નાખવા માટે સ્થળ પર ટેકનિકલ સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વેમાં અલાઇનમેન્ટની શક્યતાઓ, આવતા અવરોધો અને ઓપરેશનલ પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. એકવાર ઓન-સાઇટ લોકેશન સર્વે પૂર્ણ થઈ જાય પછી, તેનો વિગતવાર અહેવાલ તૈયાર કરીને રેલવે બોર્ડને સુપરત કરવામાં આવશે. રેલવે બોર્ડ આ રિપોર્ટની તપાસ કરશે અને મંજૂરી મળ્યા બાદ પ્રોજેક્ટના આગળના કામો હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો…દેશમાં પ્રથમ વખત સુરતથી આ તારીખે દોડશે બુલેટ ટ્રેન, અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત
અમરેલી-ખિજડીયા બ્રોડગેજ કન્વર્ઝન અપડેટ
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે અમરેલી-ખિજડીયા બ્રોડગેજ કન્વર્ઝનનું કામ પણ પૂર્ણતાના આરે છે. આ સાથે મુસાફરોની સુવિધા માટે ભાવનગર ડિવિઝનના 15 રેલવે સ્ટેશનો પર ‘અમૃત ભારત સ્ટેશન’ યોજના અંતર્ગત પુનઃવિકાસની કામગીરી ચાલી રહી છે. જૂની ભાવનગર-તળાજા-મહુવા રેલવે લાઇનને ફરીથી કાર્યરત કરવા માટે પણ રેલવે દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે અને તેના માટે વિવિધ પ્લાનિંગ વિકલ્પો પર ચર્ચા ચાલી રહી છે.



