રૂ.1500 કરોડના કૌભાંડમાં આરોપી ભાવનગરના હનીફ શેખના ઘર પર ઈડીના દરોડા

ભાવનગરઃ શેરબજારમાં ‘પમ્પ એન્ડ ડમ્પ’ કૌભાંડ થકી રૂ. 1500 કરોડની નાણાકીય હેરફેર કરનાર ભાવનગરના હનીફ શેખ ઉર્ફે ખાટકીના ઘર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમે દરોડા પાડ્યા હતા. હનીફના ઘરમાં 1 ઓગસ્ટથી શરૂ કરાયેલી તપાસ 2 ઓગસ્ટ સવાર સુધી ચાલી હતી. ભાવનગરના અજય ટોકિઝ વિસ્તારમાં આવેલા હનીફના ઘર પરથી તપાસ પૂર્ણ કરી રવાના થઈ હતી. આ ઉપરાંત અમદાવાદ અને ભુજમાં પણ દરોડા પાડ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, જુલાઇ 2023માં 1500 કરોડના એસ.એમ.એસ. સ્ટોક ટીપ કૌભાંડના માસ્ટર માઇન્ડ ભાવનગરના હનીફ કાસમભાઇ શેખ ઉર્ફે ખાટકીની અગાઉ સેબી દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. સેબીની તપાસમાં કરોડો રૂપિયાના કૌભાંડની વિગતો ખુલતા અને કૌભાંડના નાણાં વિદેશમાં પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાની શંકાના આધારે ઇ.ડી. દ્વારા હનીફ શેખના ભાવનગરના જૂની અજય ટોકીઝ નજીકના નિવાસ્થાને શુક્રવારે બપોરે કાર્યવાહી માટે ગયા હતા. પરંતુ હનીફનું ઘર બંધ હતુ. ઇ.ડી. દ્વારા સ્થાનિક પોલીસના બંદોબસ્ત અને પંચોની રૂબરૂમાં મોડી સાંજે બંધ ઘરની હનીફના સંબંધી પાસેથી ચાવી મંગાવી અને દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તપાસ ટુકડી દ્વારા સમગ્ર બંગલાની તલસ્પર્શી ચકાસણી મોડી રાતે પણ કરવામાં આવી હતી અને દસ્તાવેજો, ઇલેકટ્રોનિક ઉપકરણો સહિતની શંકાસ્પદ વસ્તુઓની ચકાસણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ડબ્બા ટ્રેડિંગ ઍપ પ્રકરણમાં ચાર સ્થળે ઈડીના દરોડા
રેગ્યુલેટરે અગાઉ કરેલી તપાસમાં બલ્ક એસ.એમ.એસ. દ્વારા હનીફ શેખ સ્ટોક ટિપ્સ આપતો હતો, જેના કારણે સેબીની તપાસ 226 એકમો અને હનીફ સાથે સાંકળવામાં આવી હતી. અમદાવાદ, મુંબઇ, કોલકાતામાં બહુવિધ બેંક એકાઉન્ટ અને ફંડ ટ્રાન્સફર થતા હોવાની બાબતો તપાસ દરમિયાન સપાટી પર આવી હતી. સેબીએ નાની કંપનીઓના પ્રમોટર્સની લિંક સાથે એસ.એમ.એસ. કમ્પાઇલેશન, ફોરેક્સ બિલ, ટ્રેડિંગ લોગ, જી-મેલ લિંક્સ, કોલ ડેટા પણ અગાઉ રીકવર કર્યો હતો, અને બાદમાં તેની આર્થિક બાબતોની ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી હતી. સેબી દ્વારા બે વર્ષ અગાઉ તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારે હનીફ દુબઇ ભાગી ગયો હતો.
હનીફ દ્વારા ચોક્કસ રોકાણકારોને આકર્ષવા માટે મોટા પ્રમાણમાં એસ.એમ.એસ. મોકલવા અને સ્ટોક ટિપ્સને વેબસાઇટ્સ દ્વારા વહેતી કરવામાં આવતી હતી. અને સ્ક્રિપ્ટ રોકાણકારોને આકર્ષિત કર્યા પછી બહુવિધ લોકો દ્વારા ચોક્કસ શેરને ડમ્પ કરવાનું કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ. 1500 કરોડથી વધુના કૌભાંડમાં સેબીની તપાસ બાદ આર્થિક વ્યવહારોના તાર વિદેશમાં પણ ફેલાયેલા હોવાની શંકાથી ઇ.ડી.એ પણ તપાસમાં ઝંપલાવ્યુ છે.
આ પણ વાંચો: Money Laundering Case: યુપીમાં સમાજવાદી પાર્ટીના નેતાના નિવાસ્થાને ઈડીના દરોડા, દીકરાની ધરપકડ
સેબીની તપાસમાં ખુલ્યું હતું કે, હનીફે 5 શેરોની હેરાફેરી કરી અને રૂપિયા 144 કરોડનો ગેરકાયદે લાભ મેળવ્યો હતો. શેખે મોરિયા ઉદ્યોગ, 7એનઆર રિટેલ, જીબીએલ ઇન્ડસ્ટ્રીઝ અને દાર્જીલિંગ રોપ-વે કું. સહિતની ઘણી કંપનીઓના શેરમાં પણ ગોટાળા કર્યા હોવાની તપાસ સેબી કરી રહ્યું છે. ઉપરાંત લીડિંગ લીઝિંગ ફાયનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, એગ્રોફોસ ઇન્ડીયા પ્રાયવેટ લિમિટેડ, વી.બી. ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સહિતની સ્ક્રિપ્ટમાં હેરાફેરી કરવામાં આવી હતી અને તેની તપાસ ચાલુ છે.
હનીફ શેખ દ્વારા અનેક કંપનીઓના શેરમાં કરેલા ગોટાળા બદલ સેબી દ્વારા અનેક વખત તેને સમન્સ પાઠવવામાં આવ્યા હતા, પરંતુ તે હાજર થઇ રહ્યો ન હતો તેથી સેબી દ્વારા 7 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવેલો હતો. હનીફ ઉર્ફે ખાટકીનું ભાવનગરના અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડમા, શ્રીજી યાર્ડમાં પાઇપ ઉદ્યોગ, ભાવનગરના મુસ્લિમ પોશ વિસ્તાર-અમદાવાદ, મુંબઇના રીઅલ એસ્ટેટ ક્ષેત્રે પણ કરોડો રૂપિયાનું રોકાણ છે. ઇ.ડી. દ્વારા આ તમામની તપાસ કરવામાં આવી રહી છે.