ભાવનગરમાં એક માસમાં 1,084 લોકોને રખડતા શ્વાને બચકાં ભર્યા, જાણો શું કરશો-શું નહીં

ભાવનગરઃ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો હોવા છતાં મહાપાલિકા દ્વારા કડક પગલા લેવામાં આવતા નથી. શહેરમાં ઓગષ્ટ માસમાં કુલ 1084 લોકોને રખડતા શ્વાન કરડયા હતા, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને લોકોએ તંત્ર સામે નારાજગી વ્યકત કરી હતી.
શ્વાન કરડયા હતા તે તમામ લોકો સારવાર માટે મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો ખાતે આવ્યા હતા અને તેઓને જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી હતી તેમ મનપાના સૂત્રોએ જણાવ્યું હતું.
આપણ વાંચો: રખડતા શ્વાન બન્યા જસ્ટિસ વિક્રમ નાથની ઓળખનું કારણ, કહ્યું મને દેશ-વિદેશમાં ઓળખ મળી!
દરરોજ 36 લોકોને કરડી રહ્યા છે શ્વાન
સૂત્રો મુજબ, શહેરમાં દરરોજ આશરે 36થી વધુ લોકોને શ્વાન કરડી રહ્યા છે તેવું એક માસના આંકડા પરથી જણાય રહ્યું છે પરંતુ મહાપાલિકા દ્વારા રખડતા શ્વાનના મામલે કડક કાર્યવાહી કરાતી નથી અને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. શહેરમાં જુદા જુદા વિસ્તારમાં જુલાઈ માસમાં 1360 લોકોને શ્વાન કરડયા હતા.
રસીકરણ અને ખસીકરણ છતાં ત્રાસ યથાવત્
ઉલ્લેખનીય છે કે, ભાવનગર મહાપાલિકા દ્વારા રખડતા શ્વાનને પકડીને રસીકરણ અને ખસીકરણની કામગીરી કરવામાં આવે છે પરંતુ આ કામગીરી પૂર્ણ થયા બાદ ચાર-પાંચ દિવસમાં શ્વાનને છોડી મૂકવામાં આવે છે, જેના કારણે શહેરમાં શ્વાનનો ત્રાસ યથાવત છે. શ્વાનના ત્રાસના કારણે લોકો એકલા બહાર નીકળતાં પણ ડરી રહ્યા છે.
આપણ વાંચો: રખડતા શ્વાનો મામલે સુપ્રીમ કોર્ટે પોતાનો આદેશ બદલ્યો; જાણો કોર્ટે શું કહ્યું
શ્વાન કરડે ત્યારે શું કરવું
- જખમને ધોઈ નાખો : સૌ પ્રથમ, કરડેલા ભાગને પાણી અને સાબુથી ઓછામાં ઓછા 10-15 મિનિટ સુધી ધોવો. આનાથી ઘામાંથી કીટાણુઓ અને ગંદકી દૂર થશે.
- ડૉક્ટરની સલાહ લો : જખમ ગંભીર હોય કે ન હોય, તરત જ ડૉક્ટર પાસે જાઓ. ડૉક્ટર ઘાની ગંભીરતા તપાસશે અને જરૂર મુજબ રસી આપશે, ખાસ કરીને હડકવા વિરોધી રસી લો.
- લોહી નીકળતું અટકાવો: જો લોહી વહેતું હોય, તો એક સ્વચ્છ કપડું કે પાટો દબાવીને લોહી નીકળતું અટકાવવાનો પ્રયાસ કરો.
- ઘા પર પાટો બાંધો : ઘા ધોઈ અને સાફ કર્યા બાદ તેના પર જંતુરહિત પાટો બાંધી દો.
શ્વાન કરડે ત્યારે શું ન કરવું
- જખમ પર મરચું કે હળદર જેવું કંઈ ન લગાવો : આવું કરવાથી ઘામાં ચેપ લાગી શકે છે અને સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
- ઘાને અવગણશો નહીં: ભલે ઘા નાનો હોય, તેને નજરઅંદાજ ન કરો. હડકવા જેવી બીમારીનો ચેપ લાગી શકે છે.
- શ્વાનને પકડવાનો પ્રયાસ ન કરો : જે શ્વાને કરડ્યું હોય તેને પકડવાની કે હેરાન કરવાની કોશિશ ન કરો. તે ફરીથી હુમલો કરી શકે છે. તેના માલિક વિશે જાણવાનો પ્રયાસ કરી શકો છો.
ઉલ્લેખનીય છે કે કોઈપણ શ્વાનના કરડવાથી હડકવા થવાની શક્યતા રહે છે, જે એક ગંભીર અને જીવલેણ બીમારી છે. તેથી, તાત્કાલિક તબીબી સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.