ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોનું મોત...

ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોનું મોત…

ધોલેરા, અમદાવાદઃ ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજી ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે હ્યુન્ડાઈ વરના અને મારૂતિ એસ-ક્રોસ કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકો સહિત 4 લોકોનું ઘટનાસ્થળે અકાળે મોત થયું છે. અકસ્માત થતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યાં હતા. અકસ્માતની જાણ થતા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતની ઘટનામાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

એક પરિવારના 3 લોકો સહિત 4નું ઘટનાસ્થળે મોત
આ ગંભીર અકસ્માતમાં મૂળ કમળેજના વતની અને અત્યારે અમદાવાદના વીઆઇપી રોડ શેલામાં રહેતા એક પરિવારના મિહિર પંકજભાઈ મારુ, શ્યામબેન કેશુભાઈ મારુ, ગીતાબેન પંકજભાઈ મારુનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. એટલું જ નહીં પરંતુ ભાવનગરના આકીબભાઈ આરીફભાઈ ડબાવાલાનું પણ ઘટનાસ્થળ પર મોત થયું છે. જ્યારે ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

આજ રોડ પર માત્ર 13 દિવસમાં 9 લોકોનું મોત થયું
ચોંકાવનારી વાત એ છે કે, આ જ રોજ પર એટલે કે, ધોલેરા-ભાવનગર હાઇવે પર 13 દિવસ પહેલા પણ એક અકસ્માત થયો હતો. તે અકસ્માતમાં કુલ 3 સગા ભાઈ સહિત પાંચ લોકોનું અકાળે મોત થયું હતું. જ્યારે આજે થયેલા અકસ્માતમાં 4 લોકોનું મોત થયું છે. જેથી ધોલેરા-ભાવનગર હાઇવે માત્ર 13 જ દિવસમાં 9 લોકોનું મોત થયું છે. આજે થયેલા અકસ્માતમા બંને વાહનો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા હતા.

Back to top button