ભાવનગરમાં જળ ક્રાંતિ: રૂ. ૫૪ કરોડના ખર્ચે સરતાનપર ચેકડેમ અને શેત્રુંજી નહેરોના આધુનિકીકરણનું ખાતમુહૂર્ત

ભાવનગર: જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ખાતે જળસંપત્તિ અને પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને તથા કેન્દ્રીય પ્રધાન નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણની ઉપસ્થિતિમાં ભાવનગર સિંચાઇ યોજના વર્તુળ દ્વારા સરતાનપર ચેકડેમ (બંધારા) બનાવવાનું કામ અને શેત્રુંજી ડાબા કાંઠા તથા જમણાં કાંઠા નહેરના આધુનિકીકરણના કુલ રૂ.૫૪૮૧ લાખના કામોનો ખાતમુહૂર્ત સમારોહ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરતાનપર ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સરતાનપર ચેકડેમ માટે રૂ. ૨૫૩૯ લાખ, શેત્રુંજી સિંચાઇ યોજના સી.સી. લાઈનીંગ ૦ થી ૫૫ સુધી રૂ.૧૬૪૬ લાખના ખર્ચે, શેત્રુંજી સિંચાઇ યોજના સી. સી. લાઈનીંગ ૧૭ થી ૩૬ સુધી રૂ.૧૨૯૬ લાખના ખર્ચે બનાવવાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: કચ્છનું પ્રવેશદ્વાર સામખિયાળી રેલવે સ્ટેશન બનશે ‘અમૃત ભારત સ્ટેશન’: ₹13.64 કરોડના ખર્ચે થશે આધુનિકીકરણ
ખાતમુહૂર્તના કાર્યક્રમમાં કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, ભાવનગરના તળાજા તાલુકાના સરતાનપર અને તરસરા ગામ પાસે આ ચેકડેમ યોજનાના કામમાં ત્રણ ચેકડેમ બનાવવામાં આવશે. આ ત્રણ ચેકડેમો પૈકી ફેજ-૧ માં ચેકડેમ શેત્રુંજી નદી પર ૪૫૦ મીટર લંબાઈ, બીજો ચેકડેમ ઢાઢ નદી પર ૩૩૦ મીટર બનાવવામાં આવશે. ફેઝ-૦૨ માં એક ચેકડેમ ફાટલબારા નજીક ૭૦ મીટર એમ કુલ મળીને ૮૫૦ મીટર ચેકડેમ આ યોજનામાં બનાવવાનું આયોજન છે. આ યોજના માટે કુલ રૂ. ૪૯૪૩ લાખ ફાળવવામાં આવ્યાં છે. જે પૈકી ફેઝ-૧ ના બાંધકામમાં કુલ રૂ.૨૫૩૯ લાખનો ખર્ચ થશે.
શેત્રુંજી ડાબા કાંઠા અને જમણાં કાંઠા નહેરના આધુનિકીકરણના કામ અંગેની વાત કરતાં કહ્યું હતું કે, જમણાં કાંઠા તથા ડાબા કાંઠામાં માઈનર કેનાલ લાઈનીંગના કામ અનુક્રમે રૂ.૧૨૯૬ લાખ અને ૧૬૪૬ લાખના ખર્ચે કરવાનું આયોજન છે. જેમાં ડાબા કાંઠા નહેરના કામો થવાથી ૫૯ ગામોને ૧૨ હજાર હેક્ટર વિસ્તારમાં અને જમણા કાંઠા નહેરના કામો થવાથી ૫૨ ગામોને ૧૪ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનું પાણી મળી રહેશે તેમજ પાણીનું લીકેજ અટકશે અને છેવાડાના વિસ્તારો સુધી પૂરતાં પ્રમાણમાં ખેડૂતોને સમયસર પાણી મળી રહેશે.
આ પણ વાંચો: મુંબઈના વધુ એક સ્ટેશનની થઈ કાયાપલટ, જાણો શું મળશે સુવિધા?
વધુમાં તેમને જણાવ્યું હ તું કે, સરતાનપર ચેકડેમ (બંધારા) યોજનાનાથી પાણી દરિયામાં વહી જવાના બદલે તે અહીં સંગ્રહિત થશે, જેથી ૩૦૦૦ હેકટર જમીનના ભૂગર્ભ જળસ્તર અને કૂવાના તળ ઊંચા આવશે. જેનાથી દરિયાની ખારાશ પણ આગળ વધતી અટકશે અને મીઠું પાણી સંગ્રહ થશે, ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે અને પાક ઉત્પાદન વધશે. ખેતીલાયક ફળદ્રુપ જમીનને નુકશાન થતું અટકશે તથા ગામડાઓ સમૃદ્ધ બનશે તેમજ શેત્રુંજી ડાબા કાંઠા અને જમણાં કાંઠા નહેરના આધુનિકીકરણ કામો થવાથી જમણાં કાંઠામાં સથરા, નૈપ, કળસાર ઉપરાંત મેથળા, મધુવન, ઝાંઝમેર, ખંઢેરા ગામોમાં અગાઉ જે સમય લાગતો હતો તેના કરતાં નોંધપાત્ર ઘટાડો થઈ વહેલા પાણી પહોંચશે.