ભરઉનાળે ભાવનગરમા કમોસમી વરસાદ; ખેતી અને કેરીના પાકને નુકસાનની ભીતિ…

ભાવનગરઃ ગુજરાતમાં ચૈત્ર મહિનાના અંતિમ દિવસો છે અને ઉનાળાની આકરી અસર અનુભવાઇ રહી છે ત્યારે તેવા સમયે સૌરાષ્ટ્રનાં પૂર્વ ભાગમાં વાતાવરણ પલટાયું હતું અને રાજ્યનાં અમુક વિસ્તારોમાં વરસાદ થયો હતો. ભાવનગર શહેરમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભાવનગરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. આકરી ગરમીની વચ્ચે પડેલા ગરમીથી રાહત મળી હતી પરંતુ આ સાથે જ ખેતી પાકને નુકસાન પહોંચવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં અમુક ભાગોમાં ભરઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સૌરાષ્ટ્રના ભાવનગરમા કમોસમી વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદ થતા ભાવનગરના લોકોને ગરમીમાં રાહત મળી હતી. જોકે, કેરીના પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ હતી
ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભાવનગરના સુભાષનગર, મસ્તરામબાપા મંદિર, ચિત્રા યાર્ડ, આખલોલ જકાતનાકા, નારી ચોકડી અને વરતેજ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ આવ્યો હતો. આ સાથે સાથે અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદ થયો હોવાના અહેવાલ મળ્યાં હતાં. કમોસમી વરસાદના કારણે ભાવનગરમાં કેરીના પાકને નુકસાન થયું હોવાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો હતો. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભાવનગરમાં તાપમાન 39થી 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કાલે વરસાદ થયો પરંતુ આગામી થોડા દિવસોમાં ગરમીનું પ્રમાણ વધે તેવી આગાહી કરવામાં આવી હતી.